Saturday - Aug 08, 2026

છેક 15 કિમિ દૂર દરિયાની ભરતી ઓટથી કુવાનું પાણી હલબલતું હોવાનું ગળે ન ઉતરે તેવું જિયોલોજીસ્ટનું તારણ

છેક 15 કિમિ દૂર દરિયાની ભરતી ઓટથી કુવાનું પાણી હલબલતું હોવાનું ગળે ન ઉતરે તેવું જિયોલોજીસ્ટનું તારણ

મોરબીના વીરપરડા ગામે કૂવાનું પાણી સ્થિર, ઉચ્ચસ્તરીય ટિમોએ લીધા નમૂના

મોરબી  : મોરબી તાલુકાના વીરપરડા ગામે ત્રણ મહિના પહેલા આરસીસીના નવા બનાવેલા કૂવામાં અચાનક જ પાણી દરિયાની જેમ હલકડોલક થતું હોવાની વિચિત્ર અને કૌતુકપ્રેરક ઘટના સામે આવ્યા બાદ મોરબી  જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે કુવાનું પાણી હલબલતું હોવાની ઘટનાનું તથ્ય બહાર લાવવા તપાસ માટે ઉચ્ચસ્તરીય ટિમો બોલાવી હતી. જેના પગલે આજે સવારે રાજકોટથી જિયોલોજીસ્ટ મિતુલ ઘેટિયા તેમજ ભૂસ્તર વિભાગ ગુજરાત વોટર રિસોર્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધિકારી જી.એમ. ગરવા સહિતની ટિમો વીરપરડા ગામે દોડી ગઈ હતી. પરંતુ તે પહેલા આજે સવારથી જ આ કુવાનું પાણી હલબલતું બંધ થઈ ગયું હતું. એટલે કુવાનું પાણી સ્થિર થઈ ગયું હોય જેથી આ ટીમોએ કૂવાના પાણીના સેમ્પલ મેળવવાની સાથે કૂવાની લંબાઈ-પહોળાઈ માપી હતી. સમગ્ર કુવાના પાણીના નિરીક્ષણ અને પરિસ્થિતિની ઉડી સમીક્ષા કર્યા બાદ બંને  ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓએ જે પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું તે સત્યથી વેગળુ અને આતાર્કિક લાગે એવું છે. જેમાં તેમના પ્રાથમિક તારણ મુજબ અહીંથી 15 કિલોમીટર દૂર નવલખી બંદર આવેલું હોય એ દરિયામાં આવતી ભરતી અને ઓટના સમયની અસરના કારણે કૂવાના પાણીમાં હલનચલન થતી હોવાની ગળે ન ઉતરે એવી શક્યતા દર્શાવી હતી. કારણ કે ગ્રામનનોના જણાવ્યા મુજબ જો આ દરિયાથી હલનચલન થતું હોય તો આજુબાજુમાં પાણી હોય તેમજ અહીંથી 500 મીટર દૂર આવેલા કૂવામાં પાણીની જરાય હલન ચલન થતી નથી.

પાણી એક તરફ હિલોળા મારે છે

કુવાના પાણી આજે તો સવારથો જ શાંત થઈ ગયા હતા. પરંતુ કુવાના માલિક પ્રાણજીવન સાદરીયાએ તેમજ અધિકારીઓ પણ કુવાના પાણી એક જ દિશામાં હિલોળા લેતા  હોય અને બીજી કોઈ દિશામાં હિલોળા ન લેતા હોવાનું જણાવ્યું હતું. પ્રથમ પવનને કારણે આ કુવાના પાણી હલન ચલન થતા હોય એવું પણ તારણ દર્શાવાયું હતું. પણ આજે સવારથી 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા છતાં કૂવાનું પાણી સંપૂર્ણ શાંત જોવા મળ્યું હતું. ગઈકાલે સ્થાનિક ભૂસ્તર શાસ્ત્રીએ તપાસ કરીને કૂવો રિચાર્જ થતો હોવાથી આ મુવમેન્ટ થતી હોવાનું તારણ દર્શાવ્યું હતું. પણ આજે બે ઉચ્ચ સ્તરીય ટીમોએ જુદો જ રાગ અલાપ્યો હતો. પણ કફત અનુમાન સિવાય કોઈએ પણ સચોટ કારણ દર્શાવ્યા નથી. એટલે હવે પાણીના નમૂના લીધા હોય એના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

પથ્થરોના ફ્રેક્ચર ઝોન અને પોર પ્રેશરના કારણે નીચેથી પાણીનો ફ્લો ચાલુ હોવાથી હલનચલન થઈ શકે

રાજકોટથી જળ સંપત્તિ વિભાગના અધિકારી એમ. કે. જસવાણી ટીમ પણ વીરપરડા દોડી ગયા હતા અને તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમની 3 સભ્યોની ટીમ સાથે બપોરે 12 થી 12:30 વાગ્યાની આસપાસ સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ અંગે માહિતી આપતા તેમણે સ્પષ્ટ કર્યું કે આસપાસના 20 કિલોમીટરની પેરીફેરીમાં તેમના વિભાગના કોઈ બોરવેલ ન હોવાથી ગ્રાઉન્ડ વોટર ફ્લોની દિશા કે અન્ય ડેટા જાણી શકાયા નથી. આ ઉપરાંત, માત્ર પવનના કારણે આવી સતત હલનચલન શક્ય નથી. કૂવો આરસીસીનો હોય પણ નીચે જમીન ખુલ્લી હોય તેથી જમીનની નીચે રહેલા પથ્થરોના ફ્રેક્ચર ઝોન અને પોર પ્રેશરના કારણે નીચેથી પાણીનો ફ્લો ચાલુ હોવાથી આ હલનચલન થઈ શકે છે. જોકે, ચોક્કસ કારણ જાણવા માટે નવો બોરવેલ કરીને નીચેની સબ-સરફેસ અને પથ્થરોની સ્થિતિ જાણવી જરૂરી છે.

ફોટા રવિ બરાસરા