દેશભક્તિના જુવાળ સાથે શહીદો અને ક્રાંતિવીરોની શૌર્યગાથા ગુંજશે
મોટા દહીસરામાં 15 ઓગસ્ટની ઉજવણીને લઈને કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક; માળિયાને વિકાસની અપેક્ષા
મોરબી : મોરબી જિલ્લામાં આગામી 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આ વખતે માળિયા તાલુકાના મોટા દહીસરા ગામે નવલખી રોડ પર મેલડી માતાના મંદિર સામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગરીમાંસભર કરવાનું આયોજન કરાયું છે.આથી સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. 15 ઓગસ્ટના પર્વએ ધ્વજવંદન સાથે દેશભક્તિનો જુવાળ અને રાષ્ટ્રભાવનાની ચેતના જન-જનમાં પ્રજ્વલિત થાય તેવા કાર્યક્રમોના આયોજનને લઈને વહીવટી તંત્ર સક્રિય બન્યું છે.જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થાથી લઈને સુરક્ષા અને સાંસ્કૃતિક આયોજનો સુધીની તૈયારીઓની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી.
સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં દેશની અખંડિતતા અને સુરક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ જવાનોના બલિદાનને યાદ કરવામાં આવશે. સાથે જ ભારતને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવા પોતાના જીવનનું બલિદાન આપનાર ક્રાંતિવીરોની શૌર્યગાથા અને સંઘર્ષની ઝાંખી સાંસ્કૃતિક કાર્યક્રમો મારફતે રજૂ થાય તેવા આયોજન પર ભાર મૂકાયો છે. દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત કાર્યક્રમો દ્વારા ઉપસ્થિતોમાં દેશપ્રેમની લાગણી વધુ પ્રબળ બને તે દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે.
માળિયાની ધરતી પર જિલ્લા કક્ષાની ઉજવણીથી વિકાસની ભેટની અપેક્ષા
મોરબી જિલ્લામાં ઉન્નતિની દૃષ્ટિએ લાંબા સમયથી પાછળ રહેલા માળિયા તાલુકામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી યોજાઈ રહી છે ત્યારે આ પ્રસંગને લઈને સ્થાનિકોમાં પણ વિશેષ ઉત્સુકતા છે. જિલ્લા કક્ષાનો આ રાષ્ટ્રીય પર્વ માત્ર એક દિવસની ઉજવણી બની રહેવાના બદલે માળિયાના વિકાસને વેગ આપતી કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કે વિકાસલક્ષી ભેટ મળશે કે કેમ તેના પર સૌની નજર મંડાઈ છે. ખાસ કરીને માર્ગ, પાણી, આરોગ્ય, શિક્ષણ સહિતના પાયાના પ્રશ્નો ધરાવતા માળિયાને આ અવસરે શું મળે છે તે જોવું મહત્વનું રહેશે.