Saturday - Oct 03, 2026

મોરબીમાં બે બાઇક વચ્ચેની ટક્કરમાં રસ્તા પર પટકાયેલી 10 વર્ષની બાળકીનું મોત

મોરબીમાં બે બાઇક વચ્ચેની ટક્કરમાં રસ્તા પર પટકાયેલી 10 વર્ષની બાળકીનું મોત

લીલાપર ચોકડી પાસે રસ્તા પર પટકાતા ક્લીનરનું ટ્રક અડફેટે મોત,માળિયાના કુંતાસી ગામે વૃદ્ધનું ઝેરી દવા પી લેતા મોત

મોરબી : મોરબી નજીક મહેન્દ્રનગર ચોકડી પાસે પાછળથી આવેલી બાઇકે ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં બાઇક પર પિતા સાથે જતી 10 વર્ષની બાળકી રસ્તા પર પટકાઇ હતી. આથી રાજકોટમાં સારવાર દરમિયાન એ બાળકીનું મોત નીપજતાં પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. તેમજ મોરબીની લીલાપર ચોકડી નજીક આવેલી પેપર મિલના વે-બ્રિજ પાસે ટ્રક ઉભો રાખ્યા બાદ નીચે ઉતરતી વખતે પગ લપસતાં નીચે પટકાયેલા ક્લીનરને ટ્રકની અડફેટે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે સર્વોપરી સ્કૂલ નજીક દેવ પાર્ક સોસાયટીમાં રહેતા કાર્તિકભાઇ જયંતીભાઇ જલાલજી (ઉં.વ.47)એ બાઇક નંબર GJ-36-AM-7342ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કાર્તિકભાઇ પોતાની બાઇક નંબર GJ-3-EL-2522 પર પુત્રી દ્વિજાને બેસાડીને મહેન્દ્રનગરથી હળવદ તરફ જતા હતા. દરમિયાન પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી વખતે પાછળથી આવેલા બાઇકચાલકે તેમની બાઇકને ટક્કર મારતાં આ જોરદાર ટક્કરના પગલે કાર્તિકભાઇ સાથે બાઇક પર બેઠેલી તેમની 10 વર્ષની પુત્રી દ્વિજા રસ્તા પર પટકાઇ હતી અને તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત દ્વિજાને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

મૂળ ઉત્તરપ્રદેશના ક્લીનર મોહમદઆલમ મકસુદ અને ટ્રકચાલક મહેંદીહસન મહમદસમીમ ખાન સાથે ટ્રક નંબર MH-43-B-2107 લઈને મોરબીની લીલાપર ચોકડી નજીક આવેલી પેપર મિલના વે-બ્રિજ પાસે આવીને ટ્રક ઉભો રાખ્યા બાદ ક્લીનર મોહમદઆલમ નીચે ઉતરવા જતા અકસ્માતે નીચે પટકાયા હતા અને ટ્રકની અડફેટે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રથમ મોરબી નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે બહાર ખસેડાયા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા મિંયાણાના કુંતાસી ગામે રહેતા નાનજીભાઈ રવજીભાઈ ભાડજા પટેલ નામના ૮૫ વર્ષના વૃદ્ધે તેઓના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેઓને બેભાન હાલતમાં અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અને અહીં સારવાર દરમિયાન નાનજીભાઈ ભાડજાનું મોત થયુ હતુ.જેથી પ્રાથમિક તપાસના કાગળ તૈયાર કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.