Saturday - Oct 03, 2026

રક્તદાનના સંદેશ સાથે મોરબીમાં બાઈક રાઈડનું ઉમળકાભેર સ્વાગત

રક્તદાનના સંદેશ સાથે મોરબીમાં બાઈક રાઈડનું ઉમળકાભેર સ્વાગત

‘હું પણ રક્તદાતા, હર ઘર રક્તદાતા’ના સંકલ્પ સાથે ગુજરાતના 34 જિલ્લામાં એક મહિના સુધી ફરશે રક્તસેવકોની બાઈક રેલી, સ્વામિનારાયણ મંદિરે રક્તદાતાઓનું સન્માન, રાઈડરોને રૂ.1 લાખની સહાય અર્પણ

મોરબી : બીમારીઓ, ગંભીર અકસ્માતો અને અન્ય તબીબી જરૂરિયાતો સમયે દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેમજ રક્તદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુ સાથે ‘હું પણ રક્તદાતા, હર ઘર રક્તદાતા’ના સંદેશ સાથે નીકળેલી રક્તસેવક બાઈક રાઈડનું મોરબીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાબરમતી આશ્રમથી પ્રસ્થાન કરેલી આ રાઈડ મોરબીના રાજમાર્ગો પર ફરી રક્તદાન, માર્ગ સુરક્ષા, ટ્રાફિક શિસ્ત અને થેલેસેમિયા-સિકલ અંગે જાગૃતિ ફેલાવી હતી. મોડી સાંજે જી.આઈ.ડી.સી. શનાળા રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરે રાઈડરોનું સ્વાગત કરી અનેક વખત રક્તદાન કરનારા રક્તદાતાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામીએ રાઈડના ખર્ચ માટે રૂ.1 લાખની ધનરાશિ અર્પણ કરી હતી.
 

રક્તદાનના સંદેશ સાથે મોરબીમાં બાઈક રાઈડનું ઉમળકાભેર સ્વાગત

રક્તની જરૂરિયાત સામે બ્લડ બેંકોમાં પૂરતા પ્રમાણમાં રક્ત ઉપલબ્ધ રહે તે માટે સમાજમાં રક્તદાનની ભાવના મજબૂત બને તે હેતુથી બ્લડ બેંક ગુજરાતના પ્રેસિડેન્ટ ડો. મનીષકુમાર વિડજા, લાઈફ લાઈન બ્લડ બેંક અમદાવાદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢના ટ્રસ્ટી રાજેન્દ્રભાઈ વાઘેલા તથા 122 વખત રક્તદાન કરી ચૂકેલા ધર્મેન્દ્રભાઈ પટેલ બાઈક રાઈડ દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. ત્રણેય રક્તસેવકોએ પહેલી ઓક્ટોબરના રોજ સાબરમતી આશ્રમથી બાઈક રાઈડનો પ્રારંભ કર્યો હતો અને બીજી ઓક્ટોબરે મોરબી આવી પહોંચ્યા હતા.

ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સમર્પણ હોસ્પિટલ ખાતેથી રક્તસેવક બાઈક રાઈડને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ સમર્પણ હોસ્પિટલથી શરૂ થયેલી રાઈડ મોરબીના રાજમાર્ગો પર ફરી હતી અને લોકોને રક્તદાન માટે પ્રેરિત કર્યા હતા. આ અભિયાનમાં રક્તદાનની સાથે માર્ગ સુરક્ષા, ટ્રાફિકના નિયમોનું પાલન, માર્ગ અકસ્માત નિવારણ, થેલેસેમિયા અને સિકલ સેલ અંગે જાગૃતિ તેમજ દરેક વ્યક્તિ પોતાના બ્લડ ગ્રુપ વિશે જાણે તેવા સંદેશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

 

રક્તદાનના સંદેશ સાથે મોરબીમાં બાઈક રાઈડનું ઉમળકાભેર સ્વાગત

મોડી સાંજે જી.આઈ.ડી.સી. શનાળા રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પુરાણી સ્વામી, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા તથા મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તસેવકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક વખત રક્તદાન કરી માનવસેવામાં યોગદાન આપનારા વિપુલભાઈ પડસુંબિયા, કાંતિલાલ વૈષ્ણવ, મેઘજીભાઈ પરમાર, મનુભાઈ જાકાસણીયા, મહાદેવભાઈ રંગપડિયા અને રાવતભાઈ કાનગડ સહિતના રક્તદાતાઓનું સન્માન કરાયું હતું.

બાઈક રાઈડર ડો. મનીષ વિડજાએ રક્તની જરૂરિયાત પૂરી કરવા માટેની વિવિધ ફોર્મ્યુલા અને રક્તદાનની વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરી હતી. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ રક્તસેવકોના આ સેવાકાર્યને બિરદાવી તેમને ધન્યવાદ પાઠવ્યા હતા તેમજ પોતાનાથી બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.


 

રક્તદાનના સંદેશ સાથે મોરબીમાં બાઈક રાઈડનું ઉમળકાભેર સ્વાગત

આ પ્રસંગે સંસ્કાર બ્લડ સેન્ટરના મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામીએ બાઈક રાઈડરોને આશીર્વચન પાઠવ્યા હતા અને ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ રૂપે રાઈડના ખર્ચ માટે રૂ.1 લાખની ધનરાશિ અર્પણ કરી હતી. રક્તદાનના આ અભિયાનને સફળ બનાવવા યુવા શક્તિ ગ્રુપના પિયુષભાઈ બોપલિયા સહિતની ટીમે વિશેષ આયોજન અને સહયોગ આપ્યો હતો. સમર્પણ હોસ્પિટલના ધવલભાઈએ પણ સહકાર આપ્યો હતો.

ગુજરાતના 34 જિલ્લામાં સતત એક મહિના સુધી જનજાગૃતિ ફેલાવનારી આ બાઈક રાઈડ 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પૂર્ણ થશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થાપન પુરાણી સ્વામી તથા સંસ્કાર ઇમેજિંગ સેન્ટર બ્લડ બેંકના કન્વીનર રમેશભાઈ મકાસણાએ સંભાળ્યું હતું. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું, જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા હરિભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.
 

રક્તદાનના સંદેશ સાથે મોરબીમાં બાઈક રાઈડનું ઉમળકાભેર સ્વાગત