Saturday - Aug 08, 2026

મોરબીના રંગપર નજીક બંધ કારખાનામાંથી શંકાસ્પદ યુરિયા ખાતરની 804 બેગ સીઝ

મોરબીના રંગપર નજીક બંધ કારખાનામાંથી શંકાસ્પદ યુરિયા ખાતરની 804 બેગ સીઝ

CID ક્રાઇમ ગાંધીનગર અને ખેતીવાડી વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી 804 બેગ સીઝ કરી 6 નમૂના જૂનાગઢ લેબમાં મોકલયા, રિપોર્ટ આવ્યા બાદ જ કાયદાકીય કાર્યવાહીનો સ્પષ્ટ સંકેત

મોરબી : મોરબીના રંગપર ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લાંબા સમયથી બંધ હોવાનું જણાવાતા એક કારખાનામાંથી શંકાસ્પદ યુરિયા ખાતરની મોટી માત્રા મળી આવતાં ખેતીવાડી વિભાગ અને CID ક્રાઇમ ગાંધીનગરની સંયુક્ત કાર્યવાહીથી સમગ્ર મામલો તપાસના દાયરામાં આવ્યો છે. સ્થળ પરથી મળેલા જથ્થાને તંત્રએ હાલ શંકાસ્પદ ગણી સીઝ કર્યો છે અને તેની ગુણવત્તા તથા વાસ્તવિક સ્વરૂપ જાણવા માટે નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

મળતી વિગતો મુજબ, CID ક્રાઇમ ગાંધીનગર તરફથી મળેલી બાતમીના આધારે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા રંગપરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી બંધ ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી યુરિયા ખાતર હોવાની શંકા ધરાવતી કુલ 804 બેગ મળી આવી હતી.
 

મોરબીના રંગપર નજીક બંધ કારખાનામાંથી શંકાસ્પદ યુરિયા ખાતરની 804 બેગ સીઝ

મોટા જથ્થાની હાજરી સામે આવતા તંત્ર દ્વારા સમગ્ર જથ્થાને સ્થળ પર જ સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જથ્થાની કિંમત રૂ.2 લાખથી વધુ હોવાનો પ્રાથમિક અંદાજ છે. જોકે, આ જથ્થો ખરેખર યુરિયા ખાતર જ છે કે કેમ, તેની ગુણવત્તા કેવી છે અને તે નિયમો મુજબનો છે કે નહીં તે અંગેનો અંતિમ જવાબ લેબોરેટરી રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

6 નમૂના લેવાયા, રિપોર્ટ બાદ ચિત્ર સ્પષ્ટ થશે

સીઝ કરાયેલા 804 બેગના જથ્થામાંથી તંત્ર દ્વારા અલગ-અલગ સ્થળ/જથ્થામાંથી કુલ 6 નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને વધુ વૈજ્ઞાનિક ચકાસણી માટે જૂનાગઢ સ્થિત સરકારી રાસાયણિક ખાતર ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.

હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે લેબોરેટરીના રિપોર્ટમાં આ નમૂનાઓ અંગે શું બહાર આવે છે? જથ્થામાં દર્શાવાયેલ ખાતર અને વાસ્તવિક સામગ્રી વચ્ચે કોઈ તફાવત છે કે નહીં? ખાતરની ગુણવત્તા નિયત ધોરણો અનુસાર છે કે નહીં? આ તમામ બાબતોનો ખુલાસો પરીક્ષણ બાદ થવાની શક્યતા છે.

બંધ કારખાનામાં આટલો જથ્થો આવ્યો ક્યાંથી?

ઘટનામાં માત્ર 804 બેગ મળી આવવી જ નહીં, પરંતુ આટલો મોટો જથ્થો બંધ કારખાના સુધી પહોંચ્યો કેવી રીતે તે પણ તપાસનો મહત્વનો મુદ્દો બની રહ્યો છે. જો જથ્થો નિયમિત રીતે ખરીદવામાં આવ્યો હોય તો તેની ખરીદી, પરિવહન અને સંગ્રહ સંબંધિત દસ્તાવેજો શું છે? જથ્થો કોના નામે આવ્યો હતો? તેને કારખાનામાં કોણે અને ક્યારે રાખ્યો હતો? આ સવાલોના જવાબ તપાસમાં મહત્વના બની શકે છે.

સાથે જ આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો? તેની કોઈ સપ્લાય ચેઇન હતી કે કેમ? આ જથ્થો માત્ર સંગ્રહિત હતો કે તેના આધારે આગળ કોઈ વ્યવહાર થવાનો હતો? આવા અનેક સવાલો હાલ તપાસના કેન્દ્રમાં છે.

ખાતરનો જથ્થો બંધ ફેક્ટરીમાં કેમ? જવાબદાર કોણ?

કારખાનું બંધ હોવા છતાં અંદરથી આટલી મોટી માત્રામાં શંકાસ્પદ ખાતર મળી આવતાં સંગ્રહની પરિસ્થિતિ પણ તપાસનો વિષય બની છે. ફેક્ટરીના માલિક, સંચાલક અથવા સ્થળનો ઉપયોગ કરનાર વ્યક્તિની આ જથ્થા અંગે શું ભૂમિકા છે? તેમને આ જથ્થા અંગે જાણ હતી કે નહીં? જથ્થો કેટલા સમયથી ત્યાં પડ્યો હતો? તેની કોઈ નોંધ અથવા બિલ ઉપલબ્ધ છે કે નહીં?

હાલમાં આ તમામ પ્રશ્નોના જવાબ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે તેમ છે. તંત્ર દ્વારા જથ્થો સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાલ મળેલો જથ્થો તંત્ર દ્વારા ‘શંકાસ્પદ’ તરીકે સીઝ કરવામાં આવ્યો છે. તે હલકી ગુણવત્તાનું, બનાવટી કે નિયમવિરુદ્ધ ખાતર છે તેવી કોઈ અંતિમ પુષ્ટિ હજી થઈ નથી. લેબોરેટરી રિપોર્ટ અને તપાસના તારણો બાદ જ હકીકત સ્પષ્ટ થશે.