Friday - Oct 02, 2026

મોરબીમાં 54 ઘરફોડ ચોરીના આરોપી સહિત 6 વોન્ટેડ અપરાધીઓ ઝડપાયા

મોરબીમાં 54 ઘરફોડ ચોરીના આરોપી સહિત 6 વોન્ટેડ અપરાધીઓ ઝડપાયા

એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની કાર્યવાહી, ગુજરાત-રાજસ્થાનમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલો આરોપી પણ હાથ લાગ્યો

મોરબી : સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક દ્વારા રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ તથા ચાલુ તપાસના બાકી આરોપીઓને ઝડપી લેવા 1થી 15 ઓક્ટોબર સુધી વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે ટેકનિકલ માધ્યમો તથા બાતમીદારોની મદદથી અલગ અલગ પોલીસ મથકના કુલ છ આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં ગુજરાત અને રાજસ્થાનમાં 54 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો આરોપી પણ સામેલ છે.

મોરબી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી કામગીરીમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતી ફરતી શોભનાબેન નવઘણભાઈ હમીરપરા (ઉ.વ.37, રહે. મોરબી-2)ને ઝડપી વાંકાનેર સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે. જ્યારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા સોમાભાઈ લધુભાઈ વાઘેલા (ઉ.વ.25, રહે. વાંકાનેર)ની પણ અટકાયત કરવામાં આવી છે.

આ ઉપરાંત વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા નવઘણભાઈ જેઠાભાઈ દેગામા (ઉ.વ.28, રહે. મોરબી) અને ગનીભાઈ જાકુભાઈ નોડે (ઉ.વ.35, રહે. મોરબી)ને ઝડપી લેવામાં આવ્યા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા સલીમભાઈ ઉર્ફે રાહુલ ફીરોજભાઈ પઠાણ (ઉ.વ.29, રહે. મોરબી)ને પણ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે.

બીજી તરફ હળવદ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો પરેશ ઉર્ફે પારસ દેવીલાલ સોની (ઉ.વ.45, રહે. દાહોદ) પણ પોલીસના હાથે ઝડપાયો છે. આ આરોપી અગાઉ ગુજરાત અને રાજસ્થાનમાં 54 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આમ, વિશેષ ડ્રાઇવ દરમિયાન મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકના ગુનાઓમાં નાસતા ફરતા છ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓને સંબંધિત પોલીસ મથકને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.