બંધ પડેલા ટ્રકના પાર્ટ્સ રાજકોટ પહોંચાડવાના ભાડાના પૈસાની બબાલમાં ટ્રક માલિક સાહિતનાએ હુમલો કર્યાની ફરિયાદ
ટંકારા : રાજકોટ મોરબી હાઇવે પર બાની વાડી પાસે ગેરેજમાં કામ કરતા કર્મચારીઓ પર ટ્રક માલિક સહિતના પાંચ શખ્સોએ ટ્રકના પાર્ટ્સ રાજકોટ મોકલવાના ભાડા બાબતે ઝઘડો કરી ગેરકાયદે મંડળી રચી હુમલો કરતા ત્રણ કર્મચારીઓને ઇજાઓ થતા આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં આઠેક આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
મોરબી રાજકોટ હાઇવે પર બાની વાડી સામે આવેલ ગેરેજમાં કામ કરતા પ્રતીક ઈશ્વરભાઈ કણઝારીયા ઉ.21 નામના યુવકે આરોપી એન્ડેવર કાર નંબર જીજે - 03 - એલએમ - 5634ના ચાલક, એક સ્કોર્પિયો ચાલક, અન્ય ફોર વ્હિલ ચાલક તેમજ અજાણ્યા ચાર માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ટંકારા પાસે બંધ પડી ગયેલો ટ્રક રીપેર કરવા જતાં ટ્રક રીપેર થાય તેમ ન હોવાથી ટ્રકના પાર્ટ્સ ટ્રક માલિકના કહેવા મુજબ રૂ.700 ભાડું નક્કી કરી રાજકોટ મોકલી આપ્યા હતા.બાદમાં રૂ.700 આપવા માટે ટ્રક માલિકને ફોન કરતા સાંજના સમયે આરોપીઓ એન્ડેવર, સ્કોર્પિયો અને અન્ય વાહનમાં આવી આટલું બધુ ભાડું કેમ લીધું કહી હુમલો કરી પ્રતીક તેમજ પ્રતિકના ભાઈ ભાવેશ અને મેહુલ નામના કર્મચારીને લોખંડના પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.