Wednesday - Oct 28, 2026

મોરબીના યુવાનના બેંક ખાતામાંથી રૂ. 80 હજાર બારોબાર ઉપડી ગયા

મોરબીના યુવાનના બેંક ખાતામાંથી રૂ. 80 હજાર બારોબાર ઉપડી ગયા

બિહારના ગોપાલગંજ સ્થિત બેંક ઓફ ઈન્ડિયાની શાખાના ખાતામાંથી અજાણ્યા શખ્સે રકમ મેળવી લેતાં બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ

મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં લાયન્સનગરમાં ચરમારીયા દાદાના મંદિર પાસે ભાડેથી રહેતા મૂળ બિહારના યુવાનના બેંક ખાતામાંથી અજાણ્યા શખ્સે રૂ. 80 હજારની રકમ મેળવી લઈ છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ભોગ બનેલા યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને શોધવા તપાસ હાથ ધરી છે.

મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના વતની અને હાલ મોરબીના વીસીપરામાં લાયન્સનગર સ્થિત ચરમારીયા દાદાના મંદિર પાસે રમૈયા મહંતોના મકાનમાં ભાડેથી રહેતા બડેલાલપ્રસાદ ચંદ્રસેનપ્રસાદ (ઉં.વ. 29)એ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમના બેંક ઓફ ઈન્ડિયાની બિહારના ગોપાલગંજ ખાતે આવેલી શાખાના ખાતામાંથી યુપીઆઈ આઈડી ધારક અજાણ્યા શખ્સે કોઈ રીતે રૂ. 80,000ની રકમ મેળવી લીધી હતી. આ રીતે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અજાણ્યા આરોપીને પકડવા તપાસ શરૂ કરી છે.