Wednesday - Oct 28, 2026

મોરબીના પ્રેમજીનગરમાં જૂની ફરિયાદનો ખાર રાખી કારમાં તોડફોડ, યુવાનને ધમકી

મોરબીના પ્રેમજીનગરમાં જૂની ફરિયાદનો ખાર રાખી કારમાં તોડફોડ, યુવાનને ધમકી

મોરબી : વાંકાનેરના આંબેડકરનગરમાં રહેતા યુવાનની કારમાં મોરબીના પ્રેમજીનગર વિસ્તારમાં બે શખ્સોએ લોખંડના પાઇપ વડે તોડફોડ કરી કાચ ફોડી નાખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. અગાઉ યુવાનના ભાઈ સહિતનાઓ દ્વારા એક આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેનો ખાર રાખીને આ હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના આંબેડકરનગર, શેરી નં. 2માં રહેતા અજયભાઈ વાઘજીભાઈ સુમેસરા (ઉં.વ. 33)એ રોહિતભાઈ ગીરીશભાઈ ચાવડા, રહે. મહીકા અને અનુભાઈ દેવશીભાઈ પરમાર, રહે. પ્રેમજીનગર, મોરબી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અજયભાઈ પોતાની કાર નંબર GJ 36 AP 1927 લઈને મોરબીના મકનસર ગામે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં આવળા પાસે થઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે બંને શખ્સોએ લોખંડના પાઇપ વડે કારની ડ્રાઇવર સાઇડના કાચ પર હુમલો કર્યો હતો. જેના કારણે કારનો આગળનો કાચ તૂટી ગયો હતો. ત્યારબાદ આરોપીઓએ અજયભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, આરોપી રોહિત ચાવડા મૂળ મહીકાનો રહેવાસી છે અને વાંકાનેરના આંબેડકરનગર વિસ્તારમાં આવી લોકોને હેરાન કરતો હોવા અંગે અગાઉ તેમના ભાઈ સહિતનાઓ દ્વારા પોલીસમાં ફરિયાદ અને રજૂઆત કરવામાં આવી હતી. આ જૂની ફરિયાદનો ખાર રાખીને હાલના બનાવને અંજામ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.