મોરબીના જિકિયારીમાં યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત
મોરબી : મોરબીના ઊંચી માંડલથી તળાવિયા શનાળા ગામ તરફ જવાના રસ્તા પર એકોર્ડ સિરામિક કારખાના પાસે ટ્રક ટ્રેલરની અડફેટે બાઈકસવાર યુવાનનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત શહેરના સનાળા રોડ પર આવેલા શ્રીજીનગરમાં રહેતી 25 વર્ષીય પરણીતાએ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે જિકિયારી ગામે રહેતા 45 વર્ષીય યુવાનનું હૃદયરોગના હુમલા બાદ મોત નીપજ્યું હતું. ત્રણેય બનાવોમાં સંબંધિત પોલીસ મથકો દ્વારા નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબીના ત્રાજપર વિસ્તારમાં પેટ્રોલ પંપની પાછળ રહેતા સંતોષભાઈ શામજીભાઈ જંજવાડીયાએ ટ્રક ટ્રેલર નંબર RJ 19 GF 5548ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમના સાળા હિતેશભાઈ રાજુભાઈ ઠાકોર (ઉં.વ. 23), મૂળ મહેસાણા, બાઈક નંબર GJ 36 AB 428 લઈને ઊંચી માંડલ ગામની સીમમાંથી તળાવિયા શનાળા ગામ તરફ જવાના રસ્તે એકોર્ડ સિરામિક કારખાના પાસે રોડ પરથી વાડીએ જઈ રહ્યા હતા. તે દરમિયાન ટ્રક ટ્રેલરના ચાલકે બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હિતેશભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના બનેવીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તપાસ હાથ ધરી છે.
મોરબીના સનાળા રોડ પર સત્યમ પાનવાળી શેરીમાં આવેલા શ્રીજીનગરમાં રહેતાં કાજલબેન ભાવિકભાઈ મલાર (ઉં.વ. 25)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવને પગલે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સરકારી હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરાતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબીના જિકિયારી ગામે રહેતા રમેશભાઈ ભલાભાઈ સોલંકી (ઉં.વ. 45)ને પોતાના ઘરે હૃદયરોગનો હુમલો આવતાં તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે ચરાડવા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.