Monday - Aug 24, 2026

ટંકારાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવનાર પતિ, પત્ની સહિત 4 શખ્સો ઝડપાયા

ટંકારાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવનાર પતિ, પત્ની સહિત 4 શખ્સો ઝડપાયા

 ટંકારા તાલુકાના હરિપર (ભૂતકોટડા) ગામના કારખાનેદારને ફોનમાં મીઠી મીઠી વાતો કરી હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરવાની સાથે માર મારી રૂપિયા ખંડણી પડાવવાના કેસમાં પોલીસે પતિ-પત્ની સહિત 4 લોકોને પોલીસે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા તાલુકાના હરિપર (ભૂત કોટડા) ગામે રહેતા અને મિતાણાના ગણેશપર રોડ ઉપર પોલીપેકનું કારખાનું ધરાવતા અજિતભાઈ મુળજીભાઈ ભાગીયા ઉ.37 નામના યુવાને ટંકારા પોલીસ મથકમાં ચોંકાવનારી ફરિયાદ નોંધાવી હતી કે સાતેક દિવસ પૂર્વે તેમના મોબાઈલ ફોનમાં દિવ્યા ઉર્ફે પૂજા રમેશભાઈ જાદવ નામની મહિલા અને તેના પતી સહિતના લોકોએ હની ટ્રેપમાં ફસાવી તેમનું અપહરણ કરી બળાત્કારના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી માર મારી રૂ.5 લાખ પડાવી લીધા હતા. આ મામલે ટંકારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બાદમાં ટંકારા પોલીસને બાતમી મળેલ કે આ ગુનામાં ઉપયોગ થયેલ સ્વીફટ કાર નં. GJ-36-AJ-9172 માં આરોપીઓ ટંકારા ઓવર બ્રિજના છેડે નવા બનતા શ્રીરામ પ્લાઝા કોમ્પલેક્ષ પાસેથી નીકળવાના છે. જે બાતમીને આધારે ટંકારા પોલીસે વોચ ગોઠવીને સંજયભાઈ ભીખાભાઈ ડારા ઉ.વ. ૨૪ રહે. ખેવારીયા, હાર્દીકભાઈ કીશોરભાઈ મકવાણા ઉ.વ. ૨૭ રહે. નાની વાવડી, દેવુબેન ઉર્ફે પુજા ઉર્ફે દિવ્યા રમેશભાઈ જાદવ ઉ.વ. ૩૪ રહે. ટંકારા અને રમેશભાઈ કાળુભાઈ જાદવ ઉ.વ. ૪પ રહે. ટંકારાને પકડી પાડ્યા છે. આ સાથે પોલીસે રૂ.5 લાખની રકમ પણ રિકવર કરી છે.