વાંકાનેર તાલુકાના જાલીડા ગામે રહેતા યુવાનને સરનામું પૂછવાના બહાને તેની ગાડી ઉભી રખાવી ચાર શખ્સોએ પાઇપ વડે ક્રેટા ગાડી ઉપર હુમલો કર્યો હતો અને ક્રેટા ગાડીના કાચના તોડ ફોડ કરી હતી ત્યાર બાદ ક્રેટા ગાડીમાં બેઠેલા યુવાનને પકડીને બહાર ખેંચીને તેને આડેધાર શરીર ઉપર પાઇપ વડે માર્યો હતો.
વાંકાનેર તાલુકાના જાલીડા ગામે રહેતા વિશાલભાઈ ઉર્ફે મુન્નાભાઈ માણસુરભાઈ લોહ જાતે રબારી (38) નામના યુવાને અજાણ્યા ચાર શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે જાલીડા ગામ નજીક આવેલા રામદેવપીરના મંદિર પાસેથી તે પોતાની ક્રેટા ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી થાર ગાડીમાં આવી રહેલા શખ્સે લાઈટ ડીમફૂલ કરી હતી જેથી તે લોકો રસ્તામાં ભૂલા પડ્યા હોય તેવું સમજીને ફરિયાદીએ પોતાની ગાડી ઉભી રાખી હતી અને થાર ગાડીમાં બેઠેલા શખ્સે નીચે ઉતરીને ફરિયાદીને સરનામું પૂછ્યું હતું અને ત્યારબાદ ગાડીમાંથી અન્ય ત્રણ શખ્સો પાઇપ સાથે નીચે ઉતાર્યા હતા અને બાદમાં ગાડી ઉપર તૂટી પડ્યા હતા અને ક્રેટા ગાડીને કાચમાં તોડફોડ કરી હતી.