ચૂંટણીના વેરઝેરમાં થયેલી ડબલ હત્યા મામલે ન્યાયપ્રણાલીમાં લોકોનો વિશ્વાસ મજબૂત કરતો કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
મોરબી : મોરબીમાં વર્ષ 2021માં પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેમના પુત્રની ચૂંટણીના વેરઝેરમાં ચાર શખ્સોએ તેમના જ ઘરમાં ઘુસી નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી. દરમિયાન આ ડબલ મર્ડર કેસમાં આજે મોરબીની સેશન્સ કોર્ટે ન્યાયપ્રણાલી ઉપર લોકોનો વિશ્વાસ દ્રઢ બને એવો તટસ્થ અને ન્યાયિક ચુકાદો આપ્યો છે. જેમાં ચૂંટણીના મનદુઃખમાં મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેમના પુત્રની હત્યા કરનાર ચારેય આરોપીઓને કોર્ટે આજીવન જેલની સજા ફટકારી છે.
મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ ઈબ્રાહીમભાઈ મોટલાણી અને તેમનો પુત્ર ઈમ્તીયાઝભાઈ 15 સપ્ટેમ્બર 2021ની રાત્રે પોતાના ઘરે હતા..ત્યારે અગાઉની નગરપાલિકાની ચૂંટણીના મનદુઃખનો ખાર રાખી આરોપીઓએ આ પિતા પુત્રની હત્યાનો આગાઉથી પ્લાન ઘડી કુરતાપૂર્વક અંજામ આપ્યો હતો. જેમાં મુખ્ય આરોપી ડાડાએ ફારૂકભાઈને ફોન કરીને ઘરની બહાર બોલાવ્યા હતા. જેવા પિતા-પુત્ર ઘરના ડેલા પાસે આવ્યા, કે તરત જ હથિયારો સાથે તૈયાર ઉભેલા આરોપીઓએ તેમના પર છરી અને ધારિયા વડે તૂટી પડ્યા હતા. પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્ર ઈમ્તીયાઝની પણ આરોપીઓએ કરપીણ હત્યા કરી નાખી હતી.
સીસીટીવી ફૂટેજ બન્યા મુખ્ય પુરાવો બન્યો હતો.જેમાં ચકચારી ડબલ મર્ડર હત્યાકાંડ ફરિયાદીના ઘરના દરવાજે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. તપાસ કરનાર પોલીસ અધિકારીએ ડી.વી.આર. કબજે કરી ફોરેન્સિક તપાસ (FSL) માટે મોકલ્યું હતું. એફ.એસ.એલ.ના રિપોર્ટમાં આરોપીઓના ચહેરા સ્પષ્ટ રીતે ઓળખાઈ આવતા તે કોર્ટમાં મજબૂત પુરાવો સાબિત થયો હતો. આથી મોરબીના અધિક સેશન્સ જજશ્રી પંડ્યા સાહેબની કોર્ટે સરકારી વકીલ વિજયભાઈ જાનીની ધારદાર દલીલોને તેમજ સજ્જડ પુરાવાને ધ્યાને લઈ ડબલ મર્ડર હત્યા કેસમાં આરોપી ડાડુભાઈ ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમહમદ જેડા, આફતઅલી ઉર્ફે અસગર ઉર્ફે અસો જાકમભાઈ ભટ્ટી, જુસબ ઉર્ફે જુસો જાકમભાઈ ભટ્ટી, આશીફ રહીમભાઈ સુમરા નામના ચારેય આરોપીઓને દોષિત ઠેરવી ખૂનની કલમ 302ના ગુનામાં આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે.