મોરબી : મોરબી શહેરમાં શનાળા વિસ્તારમાં ગોકુળનગર, માર્કેટિંગ યાર્ડ તેમજ તાલુકા વિસ્તારમાં લાલપર નજીકથી પોલીસે અલગ અલગ ચાર દરોડામાં 273 બોટલ દારૂ કબ્જે કરી ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.જો કે, ત્રણ આરોપીઓના નામ ખુલતા તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં એ ડિવિઝન પોલીસે શનાળા રોડ માર્કેટિંગ યાર્ડ નજીકથી શંકાસ્પદ હાલતમાં એક્ટિવા નંબર જીજે - 36 - એએસ - 1940 લઈને પસાર થતા આરોપી સાહિલ મુકેશભાઈ જાદવ ઉ.20 રહે.રવાપર રોડ તેમજ આરોપી તુષાર ગણેશભાઈ લાલુકિયા ઉ.23 રહે.વજેપર વાળાને વિદેશી દારૂના 3 ચપલા કિંમત રૂપિયા 360 તેમજ 25 હજારના એક્ટિવા સાથે ઝડપી લેતા આરોપી ભાવિન ઉર્ફે ગફુર કાનજી મકવાણા પાસેથી દારૂ મેળવ્યો હોવાનું કબુલતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.બીજા દરોડામાં પોલીસે શનાળા ખાતે ગોકુળનગરમાં જોધાણીની વાડીમાં રહેતા આરોપી જગદીશ લવજીભાઈ ચાવડાના દરોડો પાડી વિદેશી દારૂની 180 મીલી માપની અલગ અલગ બ્રાન્ડની 252 બોટલ, એક એક્ટિવા, એક મોબાઈલ સહિત કુલ રૂપિયા 60,240નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જો કે, આરોપી હાજર મળી આવ્યો ન હતો.
ત્રીજા દરોડામાં એ ડિવિઝન પોલીસ મથક નજીકથી પોલીસે આરોપી ધવલ ઉપેન્દ્રભાઈ વોરા રહે.ન્યુ હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ વાળાને વિદેશી દારૂના બે ચપલા કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લેતા આરોપીએ દારૂની આ બોટલ આરોપી મનોજ મકવાણા પાસેથી મેળવ્યા હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.ચોથા દરોડામાં મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં પાયોનિયર સિરામિક નજીકથી આરોપી ચિરાગ રમેશભાઈ કણઝારિયા રહે.રવાપર ગામ વાળાને વિદેશી દારૂની 15 બોટલ કિંમત રૂપિયા 12,078 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.