મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે દારૂનો નશો કરવાની કુટેવ હોય અને દારૂના નશામાં વારંવાર તોફાન કરીને તમાશો કરનાર મહિલાની તેની પાડોશમાં રહેતી તેની બે સગી ભાણેજ તથા અન્ય બે શખ્સોએ દોરડા વડે ખાટલામાં બાંધીને લાકડાના ધોકા વડે માથામાં માર મારીને હત્યા કરી નાખી હતી. આ બનાવ સંદર્ભે પોલીસે મૃતક મહિલાની માતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી બે મહિલા સહિત ચારેય આરોપીઓની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યા છે.
મોરબીના રફાળેશ્વર ગામે રહેતી લક્ષ્મીબેન મહેશભાઈ રાઠોડને દારૂનો નશો કરવાની કુટેવ હોય તે બાબતે અવરનવાર નશાની હાલતમાં માથાકૂટ ઝઘડા કરતી હતી. દરમિયાનમાં ગત તા.24 ના રોજ લક્ષ્મીબેન નશાની હાલતમાં એલફેલ બોલતી હોય ઝઘડો કરતી હતી તે બાબતનો રોષ રાખીને પ્રથમ હીનાબેન લક્ષ્મણભાઈ રાઠોડે તેણીના માથામાં લાકડાના ધોકા વડે માર મારી બાદમાં મનોજ ઉર્ફે મયુર રમેશ રાઠોડએ દોરડું આપ્યું હતું અને તે દોરડા વડે હીનાબેન રાઠોડ અને હુશેન ફિરોજભાઈ જુણેજાએ લક્ષ્મીબેનને ખાટલામાં સુવડાવીને બાંધી ધોકા વડે ફટકારી ચારેય આરોપીઓએ આ મહિલાની હત્યા કરી નાખી હતી. બાદમાં પુરાવાઓનો નાશ કરવા માટે દોરડું સળગાવવામાં આવ્યું હતું. આરોપી બે મહિલા હીનાબેન તથા નર્મદાબેન મૃતકના બહેનની દીકરીઓ છે એટલે કે સગી ભાણેજો છે. આ બનાવ અંગે મૃતક લક્ષ્મીબેન રાઠોડની માતા કાંતાબેન સોલંકીએ તાલુકા પોલીસ મથક ખાતે આરોપીઓ હીનાબેન રાઠોડ, મનોજ રાઠોડ, નર્મદાબેન રાઠોડ અને હુશેન જુણેજા સામે ફરિયાદ નોંધાવતા એસસીએસટી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડી સહિતની ટીમે એટ્રોસિટી તથા હત્યા સહિતની કલમો હેઠળ ચારેય સામે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટના આદેશ મુજબ આરોપીઓને જેલહવાલે કર્યા છે.