Thursday - Apr 23, 2026

વાંકાનેર પંથકમાં ગેરકાયદે પથ્થરની ખાણ શરૂ થાય એ પહેલાં જ વિસ્ફોટક જથ્થા સાથે ચાર ઝડપાયા

વાંકાનેર પંથકમાં ગેરકાયદે પથ્થરની ખાણ શરૂ થાય એ પહેલાં જ વિસ્ફોટક જથ્થા સાથે ચાર ઝડપાયા

 વાંકાનેર પંથકમાં ગેરકાયદેસર રીતે પથ્થરની ખાણ શરૂ કરે તે પહેલાં જ પોલીસે મોટાપાયે વિસ્ફોટક જથ્થા સાથે ચાર શખ્સોને દબોચી લીધા હતા. જેમાં વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં આવેલ ખરાબાની જમીનમાં ગેરકાયદ બ્લાસ્ટીંગ કરાતું હોવાની બાતમીના આધારે પોલીસે સતત બે દિવસની લગાતાર કાર્યવાહી કરી ચાર ખાણ માફીયાઓને 1161 કિલોગ્રામ વિસ્ફોટકોના જથ્થા સાથે ઝડપી લીધા હતા.

સુરેન્દ્રનગર, થાન અને વાંકાનેરમાં કેટલાક તત્વો દ્વારા ગેરકાયદે પથ્થરની ખાણ બનાવવા માટે ગેરકાયદે ખાણોમા બેફામ બ્લાસ્ટિંગ થતા હોવાની બાતમીના આધારે મોરબી જિલ્લા પોલીસની એક ટુકડી વાંકાનેરના તરકિયા ગામા ગેરકાયદે ખાણ બનાવી બ્લાસ્ટિંગ કરતા તત્વો ઉપર તૂટી પડી હતી અને ચાર શખ્સો આ ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય ત્યારે પોલીસે ત્રાટકતા વાંકાનેરના તરકીયા ગામની ઓળ નામથી ઓળખતી સીમમાં મોટા પ્રમાણમાં બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોય અને મોટાપ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી સાથે પથ્થર કાઢવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું હતું. આથી સરકારી ખરાબાની જમીનમાં આરોપી મુન્નાભાઇ વલુભાઈ બાંભવા રહે-તરકીયા તા.વાંકાનેર, પ્રદીપભાઇ આલકુભાઇ ધાધલ રહે મેસરીયા તા.વાંકાનેર, રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઈ સોનારા રહે જાનીવડલા તા. ચોટીલા તથા રણુભાઇ બાલાભાઇ બાંભવા રહે તરકીયા તા.વાંકાનેર નામના ચાર શખ્સોએ ખરાબાની જમીનમાં 45 ફૂટ ઊંડા 57 જેટલા બોર કરી તે પૈકીના 14 બોરમાં જીલેટીન સ્ટીક તથા ડીટોનેટર ઉતારી બ્લાસ્ટ કરવા તૈયાર હોવાનું સામે આવતા સતત બે દિવસ સુધી પોલીસની કાર્યવાહીના અંતે આરોપી મુન્નાભાઇ વલુભાઇ બાંભવા, પ્રદીપભાઇ આલકુભાઈ ધાધલ, રવુભાઇ ઉર્ફે નાગરાજ ભીખુભાઇ સોનારા અને રણુભાઇ બાલાભાઈ બાંભવાને બીઝાસન કંપનીની 2.78 કિલોની એક એવી 418 જીલેટિન સ્ટીક કિંમત રૂપિયા 92796 વજન 1161 કિલો, ઇલેકટ્રોનીક ડીટોનેટર 50 નંગ કિંમત રૂપિયા 7440, ટીએલડી વાયર નંગ-90 કિંમત રૂપિયા 3600 તેમજ મોબાઇલ ફોન નંગ-5 કિંમત રૂપિયા 25000 સહિત કુલ રૂપિયા 1,28,836નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.