Friday - Jul 31, 2026

મોરબીમાં 200માં કેન્સર નિદાન કેમ્પ પૂર્ણ કરવાની નોંધપાત્ર સિદ્ધિ બદલ ડો. વિક્રમ સંઘવીનું સન્માન

મોરબીમાં 200માં કેન્સર નિદાન કેમ્પ પૂર્ણ કરવાની નોંધપાત્ર સિદ્ધિ બદલ  ડો. વિક્રમ સંઘવીનું સન્માન

મોરબી : મોરબીમાં વર્ષોથી કેન્સર સહિતના ગંભીર રોગોના નિદાન અને સારવાર ક્ષેત્રે સેવા આપતા મુંબઈના જાણીતા કેન્સર સર્જન તથા મોરબીના પનોતા પુત્ર ડો. વિક્રમભાઈ સંઘવીના સેવાકાર્યને બિરદાવવામાં આવ્યું હતું. ડી.સી. મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 200 કેન્સર નિદાન કેમ્પ પૂર્ણ કરવાના અવસરે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી સહિતના મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ, ટ્રસ્ટના હોદ્દેદારો તથા દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડો. વિક્રમભાઈ સંઘવીનું શાલ-સન્માન કરી તેમની વર્ષોની આરોગ્યલક્ષી સેવાઓને બિરદાવવામાં આવી હતી. ડી.સી. મહેતા ડિસ્પેન્સરી ટ્રસ્ટના માધ્યમથી મોરબીમાં નિયમિત રીતે કેન્સર નિદાન કેમ્પ યોજવામાં આવતા રહ્યા છે. આ કેમ્પોના કારણે અનેક લોકોને પ્રાથમિક તબક્કે આરોગ્ય તપાસ અને માર્ગદર્શન મળી રહ્યું છે. 200 જેટલા કેમ્પ પૂર્ણ થવા એ સંસ્થા તથા સેવાભાવી તબીબોના સતત પ્રયાસોની નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં કેન્સર સર્જન તરીકે કાર્યરત ડો. વિક્રમભાઈ સંઘવી છેલ્લા ઘણા વર્ષોથી મોરબી સાથે જોડાયેલા રહી આરોગ્ય સેવામાં યોગદાન આપી રહ્યા છે. 200મા કેન્સર નિદાન કેમ્પની સિદ્ધિને પગલે યોજાયેલા સન્માન સમારોહમાં તેમના સેવાકાર્યની વિશેષ નોંધ લેવામાં આવી હતી.