Saturday - Aug 01, 2026

ડેમી-2 ડેમમાંથી ચેકડેમ ભરવા, એક દરવાજા ખોલાયો, 514 ક્યુસેક પાણી છોડાયું

ડેમી-2 ડેમમાંથી ચેકડેમ ભરવા, એક દરવાજા ખોલાયો, 514 ક્યુસેક પાણી છોડાયું

10 ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના

મોરબી : ટંકારાના ડેમી-2 જળાશયમાંથી ચેકડેમને ભરવા માટે પાણી છોડવાની મંજૂરી મળતા આજે આ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.


હાલ ડેમી ડેમનું લેવલ 44.80 ફૂટ નોંધાયું છે અને જળાશયમાં કુલ 161.14 Mcft પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. ડેમમાં હાલ 122 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવકને ધ્યાનમાં રાખીને ડેમી-2ના એક દરવાજો (ગેટ નં. 02) ખોલવામાં આવ્યો છે. આ દરવાજા મારફતે હાલ 514 ક્યુસેક પાણી હેડવાસમાં ચેકડેમ ભરવા માટે છોડવામાં આવી રહ્યું છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા ધારા સ્વરૂપે પાણી નદીના પટમાં આગળ વધતાં આસપાસના વિસ્તારોમાં પાણીના પ્રવાહને લઈને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોવાથી હેડવાસમાં આવતા મોરબી અને જામનગર જિલ્લાના કુલ 10 ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા ડેમી-2 સિંચાઈ યોજના દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. હેડવાસના નીચાણવાસ વિસ્તારમાં ટંકારાના નસીતીપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધૂળકોટ, આમરણ અને ડાયમંડનગર બેલા, તેમજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મોટી વાગડિયા ગામ ખાતે પણ સાવચેતી રાખવા જણાવાયું છે.