Thursday - Apr 16, 2026

મોરબીના ઇતિહાસમાં પ્રથમવાર છેક 30 વર્ષથી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોનો સૌથી વધુ દબદબો

મોરબીના ઇતિહાસમાં પ્રથમવાર છેક 30 વર્ષથી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોનો સૌથી વધુ દબદબો

80 -90 પહેલા શહેરમાં ગણ્યા ગાંઠ્યા જ લોકો બાદ હવે પાટીદારો ટોપ લેવલે પહોંચતા સ્થાનિક રાજનીતિમાં દરેક પક્ષને પાટીદાર ઉમેદવારની કરાતી પસંદગી

મોરબી : મોરબી શહેર અને આસપાસમાં સીરામીક ઉધોગે જે છેલ્લા બે દાયકાથી વિકાસની ઉંચી ઉડાન ભરી એમાં સૌથી મોટું પાટીદારોનું યોગદાન છે. અંદાજીત 1 હજાર જેટલા સીરામીકના એકમોમાં પાટીદારોના 80 થી 90 ટકા જેટલા સીરામીકના એકમો છે. જો કે રાજાશાહી વખત અને લોકશાહીમાં પણ 90 સુધી મોરબી શહેરમાં પાટીદારોનું કોઈ પ્રભુત્વ જ ન હતું. પણ આજે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. જો કે, આઝાદી પહેલા એટલે રાજાશાહી વખતથી મોરબી જિલ્લામાં એ સમયે હર્યાભર્યા પાકથી લહેરાતા ખેતરો-વાડીઓ પાટીદારોની જાત મહેનતનું ફલ સ્વરૂપ હતું.  જે તે સમયે પાટીદારો કણબી તરીકે ઓળખાતા અને આખો દિવસ મીઠી મધુરી રણકતી ઘૂઘરી સાથેના બળદ ગાડા લઈને નીકળી ખેતરોમાં જઈ બળદને સાંતી સાથે જોડી ખેતર ખેડી પાક ઉગાડવામાં કાળી મજુરી કરવામાં કોઈ કસર રાખતા નહિ. પણ 81 થી 95 દરમિયાન અપુરતા વરસસથી દુષ્કાળના ડાકલા વાગતા શહેરીકરણ થયું  અને 91 પછીથી તો 2005 સુધીમાં ધીરેધીરે ગામડાઓના બધા જ પાટીદારોના પ્રવાહએ મોરબી શહેર તરફ પ્રયાણ કર્યું અને આજે સીરામીક ઉદ્યોગોમાં પાટીદારોનું મોખરાનું યોગદાન હોય તેમજ હાલ એક લાખથી પણ વધુ પ્રમાણમાં રહેતા પાટીદારોમાં બધા જ શિક્ષિત અને આર્થિક રીતે સમૃદ્ધ તેમજ રાજકારણમાં પણ સક્રિય રહીને ત્રણ ત્રણ દાયકાથી મોરબી પાટીદારોનું ગઢ ગણાય છે.

આજે ઘરે પાણી માંગો તો દૂધ મળે પણ ઘુંઘરીયાવાળા બળદિયાથી ખેતીની મજા જ અનેરી હતી

મોરબીમાં બબ્બે સીરામીક કારખાના હોવા છતાં એનો બધો જ કાર્યભાર પુત્રને સોંપી ઘણા વર્ષોથી પર્યાવરણનું સંતુલન જાળવવા માટે  77 વર્ષની વયે પણ નખમાય રોગ ન ધરાવતા અને આખો દિવસ વૃક્ષ ઉછેર માટે સક્રિય રહેતા જીવરાજબાપા લિખિયા કહે છે કે, તેઓનું ગામ મોરબીનું આમરણ ચોવીસી હોય એટલે એ ગામમાં જ તેમના જન્મ અને શિક્ષણ લીધું પણ ભણવાનું મન લાવતા માત્ર સાત વર્ષની ઉંમરે ખેતીમાં લાગી ગયો, એ એકદમ ઘૂઘરીવાળા રણકાર સાથેને બે મસ્ત મજના બળદિયાને સજાવી ખેતરમાં એક લાકડાની સોટીથી બન્ને બળદિયાને ફેરવીને ખેતરને વાવેતર અનુકૂળ કર્યાની આટલી બધી મહેનત બાદ મારી બા બપોરનું ભોજન એટલે શાક-રોટલા, છાસ, મરચા, ઘી ગોળ, સહતનું ભાથું ખાવાની મજા અનેરી હતી. લગ્ન થઈ ગયા ત્યાં સુધી ખેતી કરી બાદ રોજી માટે નવસારી જઈ હીરા ઘસવાનું કામ કરીને ત્યાં ઘણો સમય રહ્યા બાદ વતનની યાદ આવતા વર્ષો પહેલા મોરબી આવી સીરામીકના કારખાના નાખીને અત્યારે સમૃદ્ધ તો થયા અને હજુ ઘરે પણ પાણી માંગો તો દૂધ મળે તેવી જાહોજલાલી છતાં પણ એ જમાના કોઈપણ જાતના યંત્રો વગર ખેતી કરી એવી મજા જીવનમાં ફરી ક્યારેય નહીં મળે.

મોરબીના ઇતિહાસમાં પ્રથમવાર છેક 30 વર્ષથી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોનો સૌથી વધુ દબદબો

30 વર્ષ પહેલાં મોરબી શહેરમાં પ્રથમ વખત પાંચ પરિવારો વસ્યા

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિના પ્રમુખ અને પશુપાલન ખાતામાં અધિકારી તરીકે ફરજ બજાવી હાલ નિવૃત થયેલા 63 વર્ષીય મનુભાઈ કૈલાએ જણાવ્યું હતું કે, તેઓને નોકરી માટે અલગ અલગ સ્થળે જવું પડતું પણ છેલ્લે 24 વર્ષ મોરબી સ્થાયી થયા હોય ત્યારે એટલે 30 વર્ષ પહેલાં મોરબી શહેરમાં પાંચ ટકા કહી શકાય તેટલું પણ પાટીદારોનું વર્ચસ્વ ન હતું અને આજના જેટલા આર્થિક કે વૈભવી સુખ સગવડો ધરાવતા પણ ન હતા. એ સમયે ભડિયાદ ગામના સહિત અલગ અલગ ગામોના પાંચેક સારા કહી શકાય એવા પાટીદારો વસ્યા હતા. પણ 91 પછી સીરામીકની એવી આંધી આવી કે તોફાને ગામડાઓમાંથી મોટી સંખ્યામાં પાટીદારોને મોરબી શહેરમાં સ્થાયી કરી દીધા હતા.

સીરામીકની સાથે રાજકારણમાં મોટી પકડ

પાટીદારો સીરામીક ક્ષેત્રે આગળ આવવા જે બેંકોમાંથી લોન લઈ તેમજ અમુક મોટા સાહસો એટલે ઢગલે ધીગાણાં ખેલયા એમાં સીરામીકના મોટા મોટા પ્લાન્ટ નાખી સફળ પણ થયા છે. સાથેસાથે રાજકીય ક્ષેત્રે પણ મોખરાનું સ્થાન ધરાવ્યું છે. 1995થી મોરબી પાટીદારનો ગઢ ગબાય છે. એટલે જ 30 વર્ષ વર્ષ વચ્ચે એમ એકાદ ટર્મને બાદ કરતાં 25 વર્ષ સુધી પાટીદારો રાજકીય લેવલે ટોપનું સ્થાન રહ્યું છે. જો કે એક સમયે સતવારા સમાજની વસ્તી વધુ હોય એટલે દરેક પક્ષ એ જ્ઞાતિના સારા ઉમેદવાર રાખતા પણ 95 પછી સતાવારા કરતા પણ વધુB પાટીદારોની વસ્તી વધુ હોય 30 વર્ષથી એ જ્ઞાતિના ઉમેદવાર ચૂંટાઈને આવે છે.

અનામત આંદોલનને કારણે કોંગ્રેસને બગાસું ખાતા પતાસું આવી ગયું

થોડા વર્ષો અગાઉ પાટીદાર અનામત આંદોલન ચાલ્યું હતું. તેમાં ઘણા યુવાનો સમજ શક્તિ ગુમાવી ટોળાશાહીમાં ફેરવાય મોરબીમાં પણ જાહેર મિલકતને ભારે નુકશાન કર્યું હતું એના વિશે દુઃખ પ્રગટ કરતા શિક્ષિત અને પીઢ અગ્રણી કહે છે કે, પાટીદારો ઓલરેડી સમૃદ્ધ છે જ. એટલે આ આ આંદોલન પાછળ કોઈ મેલી રાજનીતિ હતી જે સમય આવ્યે બહાર પણ આવી હતી અને એ સમયે પાટીદારો નારાજ થઈને કોંગ્રેસને સમર્થન આપતા કોંગ્રેસને બગાસું ખાતા પતાસું આવી ગયું હતું. પણ આ બધું ક્ષણિક હતું હવે બધું સમુસુતરું પાર પડી ગયું છે.

80 વર્ષ પણ કડેઘડે છીએ એનું કારણ શુદ્ધ હવા, ખોરાક અને કઠિન પરિશ્રમ જવાબદાર છે

મોરબીના રવાપર રોડ ઉપર સીરામીકના મોટા મોટા ઉધોગપતિઓ અને આ બિઝનેશને રિલેટિવ માલતુજાર વર્ગ રહેતો હોય પણ આ લોકો ક્યારેય પણ માતા પિતાની કોઈ જાતની જરાય ઉપેક્ષા કરતા નથી. આ ઉધોગપતિઓ કહે છે કે, આજે અનારી પાસે જે કઈ ઘન દૌલત, કારખાના, કાર સહિતની વૈભવી સુખ સગવડો છે. એ અમારા માતા-પિતાને શ્રમયજ્ઞ અને સારા સંસ્કાર થકી છે. એટલે તેમના માતાપિતાને તેઓ સાથે રાખતા હોય પણ જીવનની ઢળતી સંધ્યાએ તેઓ ભક્તિભાવ  કરતા હોય એટલે રવાપર રોડ ઉપર લીલાલહેર બનાવી આખો દિવસ 70થી 80 વર્ષના અનેક વૃદ્ધો ભજન કીર્તન કરે છે. આમાના એક દાદા એટલે ગાડુંબાપા કહે છે કે, હાલો ભેરુ ગામડે. ખેતીમાં જે મજા આવતી એવી જીવનમાં ક્યારેય પણ મજા આવી નથી.આજે 70 કે 80 વર્ષ પણ કડેઘડે છીએ, એ ખેતીમાં પડેલો પરસેવો, અને ઘી ગોળ સાથે રોટલાનું શિરામણ, શુદ્ધ આબોહવા જ જવાબદાર છે.

મારી દીકરી ખેતી નહિ કરે પણ ખેતી હોવી જરૂરી અને દુકાન કે કારખાનામાં ભાગ પણ હોવો જોઈએ

લીલાલહેરમાં પટેલ સમાજના વડીલો કહે છે, કે અમે કે આમરા બાપ-દાદા ક્યારેય પણ લગ્ન માટે દીકરીને જોવા ગયા જ નથી.વડીલો જ બધુ નક્કી કરી નાખતા અને એના નિર્ણય સામે અમારું કાંઈ ચાલતું નહિ તેમ છતાં 80-90 વર્ષ સુધી અમારું જીવન ચાલતું પણ હવે 20-30 વર્ષથી જોવાનું અને ઘણો સમય એકબીજાને ઓળખવામાં કાઢી નાખતા હોય પછી સામેથી દીકરીનો બાપ રોન કાઢે કે, મારી ફિકરીએ ઉચ્ચ શિક્ષણ મેળવેલું છે. એટલે ખેતી નહિ કરે પણ તમારે એટલે દીકરાના પરિવારને ખેતી હોવી જરૂરી એટલું જ નહીં શહેરમાં સારું મકાન, દુકાન કે કોઈ કારખાનામાં બાગ હોય તો કહો વાત આગળ વધારીએ. આવી શરતોને કારણે ઘણા વાંઢાં રહી ગયા.