રૂ.57 કરોડના ખર્ચે બોક્સ કલવર્ટની કામગીરી પુરજોશમાં ચાલુ
મોરબી : મોરબી શહેરની મધ્યમાંથી પસાર થતી મચ્છુ ડેમની કેનાલનું બોક્સ કલવર્ટ અને બ્યુટીફિકેશનનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે.કોર્પોરેશન દ્વારા રૂ.57 કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે.જેથી ટૂંક સમયમાં જ અહીં હરવા - ફરવા બેસવાની સુવિધા, પાર્કિંગની સવલત અને ખાણીપીણી માટે ફૂડકોર્ટ પણ શરૂ થશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા રૂ.57 કરોડના ખર્ચે મચ્છુ કેનાલ પર.બોક્સ કલવર્ટ કામગીરી જોરશોરથી ચાલુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મોરબી સિટીમાંથી પસાર થતી કેનાલને કવર કરવામાં આવશે. બોક્સ ઉપર સ્લેબ ભરાઈ જશે, તો વિવિધ સુવિધાઓ માટે કામગીરી ચાલુ કરવામાં આવશે. જેમાં કેટલાક વિસ્તારમાં ફૂડ એરિયા બનાવવામાં આવશે, અમુક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પાર્કિંગની વ્યવસ્થા આપવામાં આવશે સાથે જ કેટલાક પાર્ટમાં લોકોને બેસવા માટે, હરવા-ફરવા માટેના સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવશે.
સિંચાઈ વિભાગ દ્વારા અનેક સ્થળોએ કેનાલની સફાઈ ન થઈ હોવા અંગે મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું કે, કેનાલની મેન્ટેનન્સની અને સફાઈની જવાબદારી સિંચાઈ વિભાગની છે. સાથે જ સિંચાઈ વિભાગ સાથે અમે સંકલનમાં હોવાનું તેમજ સફાઈ મુદ્દે અગાઉ સૂચના પણ આપેલી હોવાની સાથે કેટલાક સ્થળે સફાઈની કામગીરી ચાલુ છે. આગામી ચોમાસા પહેલા સફાઈ થાય તે માટે ફરીથી સિંચાઈ વિભાગને જાણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.