45 ખાણીપીણી અને ફરસાણની દુકાનોમાં ફૂડ શાખાનું ઓચિતું ચેકિંગ, ગંદકી તથા લાઇસન્સ વિના ધંધો કરતા વેપારીઓને નોટિસ
મોરબી : મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ખાણીપીણી તથા ફરસાણની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવાડેલા રોડ, વાવડી રોડ, મહેન્દ્રનગર ચોકડી અને ભક્તિનગર સર્કલ સહિતના વિસ્તારોમાં આવેલી કુલ 45 પેઢીઓનું નિરીક્ષણ કરી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરવામાં આવી હતી. બફૂડ શાખાની ધરેલી કાર્યવાહીમાં અલગ-અલગ પેઢીઓમાંથી મળી આવેલા આશરે 28 કિલો અખાદ્ય ખાદ્યસામગ્રીનો સ્થળ પર નાશ કર્યો હતો. આ ઉપરાંત જ્યાં ફૂડ લાઇસન્સ ઉપલબ્ધ ન હોય, સ્વચ્છતાની સ્થિતિ નિયમો વિરુદ્ધ જણાઈ તેવી પેઢીઓને નોટિસ ફટકારી વેપારીઓને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સંગ્રહ અને સ્વચ્છતા અંગે નિયમોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આવી તપાસ વધુ કડક બનાવવામાં આવશે.
મહેન્દ્રનગર ચોકડી ખાતે આવેલી ઉમા હોટેલમાંથી ફૂગ લાગેલા આશરે 5 પેકેટ પીઝાના રોટલા, 1 કિલો વાસી નૂડલ્સ તથા 2 કિલો મંચુરિયન મળી આવ્યા હતા. આ સામગ્રીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત રસોડા તથા આસપાસનો વિસ્તાર અસ્વચ્છ જણાતા સંચાલકને નોટિસ ફટકારવામાં આવી હતી. એ જ વિસ્તારમાં આવેલી એક્શન ચાઇનીઝમાંથી 5 કિલો મંચુરિયન, 2 કિલો નૂડલ્સ અને 2 કિલો ભાતનો નિકાલ કરવામાં આવ્યો હતો. ભક્તિનગર સર્કલ નજીક વિરાટ પાઉભાજીમાંથી ફૂગ લાગેલું આદુ અને વાસી કોફતા મળી આવતા તેનો નાશ કરાયો હતો. સ્થળ પર સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું જણાતા પેઢીને નોટિસ આપવામાં આવી હતી. વાવડી રોડ પર મોમાઈ ફાસ્ટફૂડમાંથી આશરે 4 કિલો મંચુરિયન, 1 કિલો જૂનો ભાત તથા ફૂગ લાગેલા લીંબુ-ડુંગળીનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે શ્રીયાંશ ફાસ્ટફૂડમાંથી 1 કિલો નૂડલ્સ, 1 કિલો વાસી બટાકા અને ચટણીનો નિકાલ કરાયો હતો. ઉમા ટાઉનશીપ સામે આવેલા કુળદેવી ફાસ્ટફૂડમાંથી 3 કિલો નૂડલ્સ, 2 કિલો ભાત અને 4 કિલો મંચુરિયનનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
કઈ પેઢીમાંથી શું વાસી મળ્યું?
- ઉમા હોટેલ: 5 પેકેટ ફૂગવાળા પીઝા રોટલા, 1 કિલો નૂડલ્સ, 2 કિલો મંચુરિયન
- એક્શન ચાઇનીઝ: 5 કિલો મંચુરિયન, 2 કિલો નૂડલ્સ, 2 કિલો ભાત
- વિરાટ પાઉભાજી: ફૂગવાળું આદુ, વાસી કોફતા
- મોમાઈ ફાસ્ટફૂડ: 4 કિલો મંચુરિયન, 1 કિલો ભાત, ફૂગવાળા લીંબુ-ડુંગળી
- શ્રીયાંશ ફાસ્ટફૂડ: 1 કિલો નૂડલ્સ, 1 કિલો વાસી બટાકા, ચટણી
- કુળદેવી ફાસ્ટફૂડ: 3 કિલો નૂડલ્સ, 2 કિલો ભાત, 4 કિલો મંચુરિયન