Saturday - Aug 01, 2026

મોરબી-હળવદ રોડ પર ઘુંટુ-ઉંચી માંડલ વચ્ચે બોલેરોની ટક્કરે આશાસ્પદ યુવકનું મોત

મોરબી-હળવદ રોડ પર ઘુંટુ-ઉંચી માંડલ વચ્ચે બોલેરોની ટક્કરે આશાસ્પદ યુવકનું મોત

12 વર્ષ પહેલાં પિતાની છત્રછાયા ગુમાવનાર યુવાન માતાનો એકમાત્ર સહારો હોવાથી તેના મોતથી પરિવાર આધાતથી સ્તબ્ધ

મોરબી : પાંચ મહિના પહેલાં જ જે ઘરમાં લગ્નની ખુશીઓ છવાઈ હતી, એ જ પરિવારમાં હવે કાળની એક અણધારી ટક્કરે શોકનું મોજું ફરી વળ્યું છે. મોરબી શહેરની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા અને સિરામિક ફેક્ટરીમાં મેઇન્ટેનન્સનું કામ કરતા 24 વર્ષીય બટુકભાઈ જયંતીભાઈ કણસાગરાનું મોરબી-હળવદ રોડ પર થયેલા અકસ્માતમાં કરુણ મૃત્યુ નીપજ્યું છે. બટુકભાઈના અકાળે મોતથી પ્રજાપતિ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

બટુકભાઈ ગત તા. 29ના રોજ બાઈક લઈને ઉંચી માંડલથી ઘુંટુ તરફ આવી રહ્યા હતા. દરમિયાન મોરબી-હળવદ હાઈવે પર ઘુંટુ અને ઉંચી માંડલ ગામ વચ્ચે જીજે-13-એએક્સ-0740 નંબરની બોલેરો ગાડીના ચાલકે બટુકભાઈના બાઈકને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બટુકભાઈનું ઘટનાસ્થળે/અકસ્મતમાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

અકસમાત બાદ બોલેરો ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. સમગ્ર બનાવ અંગે મૃતક બટુકભાઈના કાકા કાંતિલાલ હરજીભાઈ કણસાગરાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

12 વર્ષ પહેલાં પિતાને ગુમાવ્યા, માતાએ પેટે પાટા બાંધી પુત્રને મોટો કર્યો

બટુકભાઈના પરિવારની કરુણતા અહીંથી વધુ ઘેરી બને છે. તેમના પિતા જયંતીભાઈનું આજથી આશરે 12 વર્ષ પહેલાં અવસાન થયું હતું. પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ માતાએ પેટે પાટા બાંધીને પુત્ર બટુકભાઈને ઉછેર્યો હતો. મહેનત કરીને માતાએ પુત્રને ભણાવી-ગણાવી મોટો કર્યો અને પરિવારની જવાબદારી સંભાળે તેવો બનાવ્યો હતો.

બટુકભાઈ સિરામિક ફેક્ટરીમાં મેઇન્ટેનન્સનું કામ કરતા હતા અને પરિવારના કમાતા એકમાત્ર આધારસ્તંભ બન્યા હતા. માતા માટે પુત્ર જ જીવનનો મુખ્ય સહારો હતો. પરંતુ મોરબી-હળવદ રોડ પર બનેલા આ અકસ્માતે માત્ર 24 વર્ષની ઉંમરે બટુકભાઈને પરિવારથી છીનવી લીધા.

લગ્નને હજુ પાંચ મહિના જ થયા હતા, ત્યાં જ ઉજ્જડ બની ગયું જીવન

આ ઘટનાની સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે બટુકભાઈના લગ્નને હજુ માત્ર પાંચ મહિના જ થયા હતા. પરિવાર માટે જીવનની નવી શરૂઆતનો સમય હતો. લગ્ન બાદ ભવિષ્યના સપનાઓ સાથે પરિવાર આગળ વધી રહ્યો હતો, પરંતુ અકસ્માતની એક ટક્કરે તમામ સપનાઓ અધૂરા કરી નાખ્યા.

12 વર્ષ પહેલાં પિતાની છત્રછાયા ગુમાવનાર માતાએ પેટે પાટા બાંધીને જે પુત્રને ઉછેરીને પરિવારનો આધાર બનાવ્યો હતો, તે જ પુત્ર હવે અકસ્માતમાં જીવ ગુમાવતા માતાએ ફરી એકવાર જીવનનો સૌથી મોટો સહારો ગુમાવ્યો છે. બટુકભાઈના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. પાંચ મહિના પહેલાં જ લગ્નના પ્રસંગે ખુશીઓથી ભરાયેલો પરિવાર હવે યુવાન દીકરાના અકાળે મોતના આઘાતમાં સરી પડ્યો છે.