રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડને પગલર રાજ્ય સરકારના નિયમો વિરુદ્ધ ધમધમતા ગેમ ઝોન સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહીની સૂચના આપતા મોરબીના વહીવટી તંત્ર અને પોલીસે આ દિશામાં કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વધુ એક ગેમ ઝોન સામે કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી પોલીસે સીટી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરની ફરિયાદને આધારે પાપાજી ફનવર્લ્ડના સંચાલક વિરુદ્ધ જોખમી રીતે ગેમઝોન ચલાવવા બદલ ગુન્હો દાખલ કર્યો છે. મોરબી જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ કરવામાં આવતા જિલ્લાના તમામ ગેમઝોન, સિનેમા, મોલ, વોટરપાર્કમાં તપાસ બાદ જાહેર સલામતી વગરના આવા મોત ઝૂલતા મિનારા જેવા માચડા સામે કાર્યવાહી કરવાના આદેશ આપતા અલગ અલગ ટીમમાં મામલતદાર સહિતના અધિકારીઓ અને પોલીસે સર્વે હાથ ધર્યો હતો. જેમાં ત્રણ ગેમ ઝોન સહિત તમામ વાણિજ્ય અને રહેણાંક બિલ્ડીંગમાં જાહેર સલામતીનું અસ્તવ્યસ્ત જ હોવાનું ખુલ્યું હતું. ગઈકાલે એક ગેમ ઝોન સામે કાર્યવાહી કરાયા બાદ આજે વધુ મોરબી સીટી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર આકાશકુમાર પાવરાએ મોરબી કંડલા બાયપાસ ઉપર આવેલ પાપાજી ફનવર્લ્ડના સંચાલક પ્રવીણ આર.હદવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે તંત્રએ એનઓસી અને બી યુ પરમિશન ન હોય તેવા કોઈપણ બીલડીગ સામે તવાઈ ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે. પણ જાહેર સલામતી ન રાખનાર ઘણા મોટા માથા સામે તંત્ર કાર્યવાહી કરી શકશે ખરું ?