મોરબી : મોરબીના આધેડને વાડીએ મજુરની જરૂરત હોય જેથી પરિચિત ડ્રાઇવરને વાત કર્યા બાદ ડ્રાઇવરે કાવતરું રચી બોટાદ અને વાંકાનેર પંથકના આઠ સભ્યોની મદદથી એક મહિલાને મજૂર તરીકે મોકલી વાડી માલિક સાથે બળજબરીથી વાંધાજનક ફોટો અને વીડિયો ઉતારી લઈ હનીટ્રેપમાં ફસાવ્યા હતા. બાદમાં મહિલા સહિતના આઠ શખ્સોએ રૂ.1.11 કરોડમાં સમાધાનની વાત કરી સોનાના બિસ્કિટ અને રોકડ મળી રૂપિયા 53.50 લાખ પડાવી લેવામાં આવતા ખેડૂત આધેડે ફરિયાદ નોંધાવી હતી જેમાં સીટી એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ હનીટ્રેપ ગેંગના પાંચ સભ્યોને કાર સહિત રૂ.51.11 લાખના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં સફળતા મેળવી છે.
મોરબીના ભરતભાઇ નામના ખેડૂતને વાડીએ મજૂરની જરૂરત હોય પોતાના પરિચિત અને અગાઉ ડ્રાઇવર તરીકે કામ કરતા આરોપી પાંચાભાઇ કાનજીભાઇ માણસુરીયાને મજૂર રાખવા વાત કરતા આરોપીઓએ કાવત્રુ રચી અન્ય આરોપીઓની મદદથી ખેડૂત ભરતભાઇ સાથે મહીલાનો કોન્ટેક કરાવી આપ્યો હતો. બાદમાં મહીલા વાડીએ વાડીએ આવી ફરીયાદી સાથે બેઠેલ હોય તે સમયે વાંધાજનક ફોટો અને વીડિયો ઉતારી લઈ હનીટ્રેપ ગેંગ દ્વારા ખેડૂતને ખોટી છેડતી બળાત્કારની ફરીયાદની તથા મારી નાખવાની ધમકી આપી એક કરોડ અગ્યાર લાખની માંગણી કરી 100 ગ્રામ સોનાના ચાર બીસ્કીટ કિમત રૂપિયા 50 લાખ, સોનાનો અઢી તોલાનો કિંમત રૂપિયા 2.5 લાખ, તથા રોકડા રૂપિયા એક લાખ મળી કુલ 53.50 લાખ પડાવી લઈ વધુ રૂપીયા કઢાવવા માટે ખેડૂતનું અપહરણ કરી ગોંધી રાખવામાં આવ્યા હતા.
બનાવના ફરિયાદ નોંધીને મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીદારો અને ટેકનીકલ સોર્સથી તપાસ હાથ ધરી આરોપી જીલુભાઇ વિહાભાઇ પરસાડિયા રહે-પાળીયાદ, તા.જિ.બોટાદ, મુકેશભાઇ મફાભાઇ આલ રહે.દશામાતાજીના મંદીર પાસે સુદામડા ગામ તા.સાયલા જી.સુરેન્દ્રનગર, કરણભાઇ દેવરાજભાઈ વરૂ રહે.નવા બસ્ટેશન પાછળ ભરવાડપરા વાકાનેર જી.મોરબી પાંચાભાઇ કાનજીભાઇ માણસુરીયા રહે- તીથવા, તા.વાંકાનેર જિ.મોરબી અને આરોપી દેવાંગભાઇ હરજીભાઇ વેલાણી રહે.આનંદધામ સોસાયટી, ગઢડા રોડ બોટાદ વાળાઓને ઝડપી લીધા હતા. હજુ આ કેસમાં આરોપી, મનીષભાઇ ગારીયા રહે.રતનપર બોટાદ, રમેશ ઉર્ફે રામાભાઇ હાડગડા રહે.નાગલપર બોટાદ તેમજ એક મહીલાને ઝડપી લેવાના બાકી હોય પોલીસે બાકીના આરોપીઓનું પગેરું દબાવ્યું છે.
હનીટ્રેપના આ ચકચારી બનાવમાં પોલીસના હાથે ઝડપાયેલા આરોપીના કબ્જામાંથી સોનાના 100 - 100 ગ્રામના ત્રણ બિસ્કીટ કિંમત રૂપિયા 37.50 લાખ, સોનાનો ચેઇન કિંમત રૂપિયા 2.50 લાખ, સ્વીફટ કાર નંબર GJ-03-NF-8098 કિંમત રૂપિયા 5 લાખ, સ્વીફટ કાર નંબર GJ-13-CD-9094 કિંમત રૂપિયા 5 લાખ, એકસેસ મોટર સાયકલ નંબર GJ-27-DG-1334 કિંમત રૂપિયા 50 હજાર, મોબાઇલ નંગ-6 કિંમત રૂપિયા 61 હજાર મળી કુલ રૂપિયા 51.11 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ અગાઉ સાયલા પોલીસ મથકમાં મારામારી, ખૂનની કોશિષ, દેશી વિદેશી દારૂની ફરિયાદ નોંધાયેલ હોવાનું અને મહિલા વિરુદ્ધ જસદણ પોલીસ મથકમાં હનીટ્રેપની ફરિયાદ નોંધાઇ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.