એક પક્ષે દરવાજે ધોકા મારી ધમકી આપ્યાનો આક્ષેપ કર્યો, તો સામા પક્ષે સમાધાન માટે ગયેલા સમયે લાકડીથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી
મોરબી : મોરબીના ઘૂંટુ રોડ પર આવેલી રામકો વિલેજ સોસાયટીમાં બાળકોના ફટાકડા ફોડવા જેવી બાબતે પાડોશમાં રહેતા બે પરિવારો વચ્ચે વિવાદ વકર્યો હતો. બોલાચાલી બાદ બંને પક્ષે એકબીજા સામે મારામારી અને ધમકીના આક્ષેપો કર્યા હતા. મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે.
ઘૂંટુ રોડ પર આવેલી રામકો વિલેજ સોસાયટીમાં રહેતા લક્ષ્મીબેન આશિષભાઈ શ્રીવાસ્તવના ઘર નજીક તા.27 સપ્ટેમ્બરની સાંજે પાડોશમાં રહેતી ભક્તિબેનનો પુત્ર ફટાકડા ફોડી રહ્યો હતો. લક્ષ્મીબેને બાળકને પોતાના ઘર પાસે ફટાકડા નહીં ફોડવા કહેતા આ બાબતે બંને પરિવારો વચ્ચે મનદુઃખ થયું હતું.
તા.28 સપ્ટેમ્બરની રાત્રે આશરે સાત વાગ્યાના અરસામાં ભક્તિબેન અને ગીતાબેન હાથમાં લાકડાના ધોકા લઈને તેમના ઘરે આવ્યા હોવાનો લક્ષ્મીબેને ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. બંનેએ ઘરના દરવાજા પર ધોકા માર્યા અને અપશબ્દો બોલ્યા હોવાનો તેમજ બાદમાં હઠીસિંહ, શિવરાજ ભાટી, દીલુભા અને શક્તિ દીલુભા પણ ત્યાં આવી ભક્તિબેન તથા ગીતાબેનને મારવા માટે ઉશ્કેર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દરમિયાન શિવરાજે હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપતાં લક્ષ્મીબેને 112 પર જાણ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બીજી તરફ ભક્તિબા હઠીસિંહ પઢીયારે નોંધાવેલી ફરિયાદમાં સમગ્ર ઘટનાક્રમ અંગે અલગ આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, અગાઉ થયેલા વિવાદનું સમાધાન કરવા તેઓ અને તેમના મામાની દીકરી ગીતાબેન તા.28 સપ્ટેમ્બરની રાત્રે લક્ષ્મીબેનના ઘરે સમજાવવા ગયા હતા. આ સમયે બોલાચાલી થતાં લક્ષ્મીબેને હાથમાં રહેલી લાકડીથી ભક્તિબાના માથાના ભાગે ઘા માર્યો હોવાનો આક્ષેપ છે. વચ્ચે પડેલા ગીતાબેનને પણ લાકડીનો ઘા વાગતાં ડાબા હાથમાં ઈજા થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
લાકડીના ઘાથી ઈજા થતાં ભક્તિબા અને ગીતાબેનને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એક જ સોસાયટીમાં રહેતા બંને પરિવારો વચ્ચેનો વિવાદ શાંત પાડવા સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, સમાધાન ન થતાં બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવાનો માર્ગ અપનાવ્યો હતો. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે તા.30 સપ્ટેમ્બરે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.