Thursday - Apr 30, 2026

મોરબીમાં આઈટીઆઈમાં પાંચમાં તબક્કાની પ્રવેશ પ્રક્રિયા 17 ઑક્ટોબર સુધી લંબાઈ

મોરબીમાં આઈટીઆઈમાં પાંચમાં તબક્કાની પ્રવેશ પ્રક્રિયા 17 ઑક્ટોબર સુધી લંબાઈ

મોરબી : ગુજરાત રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની મોરબી જિલ્લાની સરકારી ITI મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, અને વાંકાનેર ખાતે પ્રવેશ વર્ષ-2025 માટેની પાંચમા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા (વહેલા તે પહેલા ધોરણે) ની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. હવે ઉમેદવારો 17/10/2025 સુધી વિવિધ NCVT/GCVT પેટર્નના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ મેળવી શકશે.

પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો itiadmission.gujarat.gov.in વેબસાઈટ પરથી ઑનલાઈન ફોર્મ ભરી શકે છે અને રૂ. 50 રજીસ્ટ્રેશન ફી ઑનલાઈન માધ્યમો દ્વારા ભરી શકાશે. જે ઉમેદવારો ઑનલાઈન ફોર્મ ભરી શકે તેમ ન હોય, તેઓ નજીકની કોઈપણ સરકારી ITI પર રૂબરૂ જઈને ફોર્મ ભરાવી શકશે. 'વહેલા તે પહેલા' ધોરણે પ્રવેશ આપવાની આ પ્રક્રિયા આખરી રાઉન્ડ હોવાથી, રાજ્ય બહારના ઉમેદવારો પણ ડોમિસાઈલ સર્ટિફિકેટ રજૂ કર્યા વિના ખાલી બેઠકો પર પ્રવેશ મેળવી શકશે.

ઉમેદવારોએ ઑનલાઈન ફોર્મ ભરવા માટે ધોરણ 8/9/10 ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), જાતિ/કેટેગરી પ્રમાણપત્ર, આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, અને આવકનો દાખલો જેવા જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે રાખવાની રહેશે.
જિલ્લાની દરેક ITI ખાતે સવારે 10:00 થી સાંજે 06:00 વાગ્યા દરમિયાન ઑનલાઈન ફોર્મ ભરવાની અને રોજેરોજ મેરિટ આધારિત પ્રવેશ આપવાની તેમજ માર્ગદર્શન આપવાની કામગીરી માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત રહેશે. વધુ માહિતી માટે સંબંધિત સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.