મોરબી: મોરબીના પીપળી રોડ પર આવેલા જેટકોના સબ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મરમાં લાગેલી ભીષણ આગ આખરે કાબુમાં આવી ગઈ છે. લગભગ 6 કલાકની ભારે જહેમત બાદ, મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ 4 ફાયર ફાઇટરની ટીમે આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. અધિકારીઓએ આ ઘટનાને મેજર કોલ જાહેર કરી દીધો હતો. સદનસીબે, આ સમગ્ર ઘટનાક્રમમાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ સબ સ્ટેશનને મોટું નુકસાન થયું છે.
સ્થળ પર પહોંચેલા મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે પીપળી રોડ પરના જેટકોના સબ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં મોરબી અને રાજકોટ કોર્પોરેશનની ટીમો તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગઈ હતી. આગના કારણે એક કે બે લાઈન્સ પર વીજ પુરવઠો ખોરવાયો હતો. આગ કાબુમાં આવ્યા બાદ તાત્કાલિક વીજ પુરવઠો પૂર્વવત કરવા જેટકો અને પીજીવીસીએલ દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી. તેમજ ટ્રાન્સફોર્મરને આઈસોલેટ કરી દેવાયું હતું, જેથી આગ અન્ય વિસ્તારોમાં ન ફેલાય.
આગની ઘટના ગઈ કાલે આશરે સાડા છ વાગ્યાની આસપાસ લાગી હતી. ટીમે તરત જ ટ્રાન્સફોર્મર આઇસોલેટ કરીને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. અસરગ્રસ્ત સબ સ્ટેશનને નજીકના સ્ટેશન પરથી પાવર ટ્રાન્સફર કરીને વૈકલ્પિક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો. ત્યારે સાંજે લાગેલી આગને 4 ફાયર ટીમોની ભારે મહેનત બાદ મોડી રાત સુધીમાં કાબૂમાં લેવાય હતી.