Thursday - May 21, 2026

વાઘપર માઇનોર કેનાલમાંથી પાણીનું લીકેજ બંધ ન થાય તો ઉગ્ર આંદોલન

વાઘપર માઇનોર કેનાલમાંથી પાણીનું લીકેજ બંધ ન થાય તો ઉગ્ર આંદોલન

નર્મદા ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની ડિસ્ટ્રિબ્યુટરી D 27 માં છેલ્લા 4 વર્ષથી લીકેજ: રિપેરિંગ ન થતાં ખેડૂતોને ભારે નુકશાની

મોરબી : મોરબી જિલ્લામાં આવેલ નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની ડિસ્ટ્રિબ્યુટરી D 27 ની વાઘપર માઇનોર કેનાલમાંથી મોટા પ્રમાણમાં પાણી લીકેજ થઈ રહ્યું છે. જેના કારણે નજીકના ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટું નુકશાન થયું છે. આ ગંભીર સમસ્યા મામલે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સમિતિના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવા અને કેનાલનું રિપેરિંગ કરાવવા માંગ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વાઘપર માઇનોર કેનાલમાંથી પાણી લીકેજ થવાની આ પરિસ્થિતિ છેલ્લા 4 વર્ષથી યથાવત છે. ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. છેલ્લા 4 વર્ષથી આ માઇનોર કેનાલનું રિપેરિંગ પણ કરવામાં આવ્યું નથી.

વાઘપર માઇનોર કેનાલમાંથી પાણીનું લીકેજ બંધ ન થાય તો ઉગ્ર આંદોલન

એક તરફ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે, તો બીજી તરફ લીકેજના કારણે મોંઘા ભાવના પાણીનો મોટા પાયે બગાડ થઈ રહ્યો છે. કાંતિલાલ ડી. બાવરવાએ તંત્રની કામગીરી પર આકરા સવાલ ઉઠાવતા પૂછ્યું છે કે, શું રિપેરિંગના નામે ભ્રષ્ટાચાર થાય છે કે સરકાર રિપેરિંગ કરાવી શકતી નથી? જવાબદાર અધિકારીઓને પાણીનો આટલો મોટો બગાડ કેમ દેખાતો નથી તે એક મોટો પ્રશ્ન છે.

રજૂઆતના અંતે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો ખેડૂતોને થયેલા નુકશાનનું તાત્કાલિક વળતર ચૂકવવામાં નહીં આવે અને કેનાલનું સત્વરે રિપેરિંગ કરવામાં નહીં આવે, તો સ્થાનિક ખેડૂતોને સાથે રાખીને ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તદુપરાંત, કાનૂની રાહે વળતર મેળવવા કોર્ટનો આશરો લેવાની ફરજ પડશે.