મોરબીના સરતાનપર રોડ પર થયેલી 8 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખી 3 લૂંટારુંઓને ઝડપ્યા, ફરાર 2 આરોપીની શોધખોળ
મોરબી : મોરબીના સરતાનપર રોડ પર ગત 18 મે ના રોજ મની કલેક્શનના 8 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. મોરબી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે લૂંટનું ષડયંત્ર રચનાર અને તેને અંજામ આપનાર કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓ હજુ ફરાર છે.
ગત તારીખ 18-5 ના રોજ ફરિયાદી પોતાનું કલેક્શનનું કામ પતાવીને 8 લાખ રૂપિયા રોકડા લઈને એક્ટિવા પર જઈ રહ્યા હતા. ત્યારે સતાપર રોડ પર અવાવરું જગ્યાએ પાછળથી એક સ્વિફ્ટ કારમાં આવેલા 3 શખ્સોએ એક્ટિવાને ટક્કર મારી હતી. ફરિયાદી નીચે પડી જતા બળજબરીથી તેમની પાસેથી 8 લાખ રૂપિયા ભરેલો થેલો ઝુંટવીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા તમામ આરોપીઓ મોરબીમાં જ જુદી-જુદી જગ્યાએ કામ કરતા હતા. આ લૂંટનો મુખ્ય સૂત્રધાર ફરિયાદી જ્યાં છેલ્લે કલેક્શન માટે ગયા હતા તે દુકાનનો જ માણસ નીકળ્યો છે. આ લૂંટની ટીપ આપનાર આરોપીની એક એસેસરીઝની દુકાન હતી. મની ટ્રાન્સફરનું કામ કરનાર ફરિયાદી આ દુકાનેથી પણ દરરોજ પૈસાનું કલેક્શન કરતો હતો. ફરિયાદી પૈસા લઈને નીકળ્યા હોવાની ટીપ આ એસેસરીઝની દુકાન ધરાવતા આરોપીએ જ આપી હતી, જેના આધારે આ ષડયંત્રને અંજામ આપવામાં આવ્યો હતો. આરોપી હેમરાજે આ માહિતી બીજા આરોપી જસરાજને આપી હતી, જે રસ્તામાં આગળ ઊભો હતો અને તેણે કાર સવારોને માહિતી પાસ કરી હતી. આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે આરોપીઓએ ભેગા મળીને આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
પોલીસે હેમરાજ ઉર્ફે હેમરાજ સોનરામ મેઘવાલ (રહે. રાજસ્થાન) (ટીપ આપનાર), જસરાજ ઉર્ફે જશવંત ચૌધરી (રહે. રાજસ્થાન) - (માહિતી પાસ કરનાર) અને રિકેન ઉર્ફે ભૂદેવ સંજયભાઈ દવે (રહે. મોરબી) - ( લૂંટને અંજામ આપનાર -કારમાં સવાર)ને ઝડપી પાડ્યા છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા 1,55,000 રૂપિયા અને 60,000 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ ફોન મળીને કુલ મુદ્દામાલ રિકવર કર્યો છે.
આ બનાવ બનતાની સાથે જ મોરબી તાલુકા પીઆઇની ટીમ, એલસીબી, એસઓજી અને ડિસ્ટ્રિક્ટ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે સીસીટીવી કેમેરા અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ એંગલથી તપાસ કરી ગણતરીના દિવસોમાં ગુનો ડીટેકટ કર્યો છે. આ લૂંટના બનાવમાં કારમાં હાજર અને હાલમાં ફરાર એવા 2 આરોપીઓ માંગીલાલ અને ધનારામને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી સ્વિફ્ટ કાર અને તેની નંબર પ્લેટ અંગે પણ તપાસ ચાલુ છે. પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવી તેમના અગાઉના કોઈ ગુનાહિત ઈતિહાસ અને આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે.