જીવનમાં અનેક ઝંઝાવતોનો સામનો કરી એકલવાયું જીવન જીવવા છતાં બીજાને મદદરૂપ થવા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
(રવિ બરાસરા) મોરબી : નારીને અબળા સમજવાની ક્યારેય પણ ભૂલ કરતા નહિ. કારણ કે, નારી અદભુત શક્તિ છે અને સમગ્ર સંસારનું નિર્માણ કરે છે. એટલે કુદરત કસોટી કરશે કે પોતાના તરછોડશે તો પણ નારી પોતાના માટે તો ઠીક બીજાના માટે અને ખાસ જેણે તેનો તિરસ્કાર કર્યો હોય એના માટે મરી મીટવાની ભાવના વ્યક્ત કરવામાં ક્યારેય પાછીપાની નહિ કરે. આવી બેજોડ નારી શક્તિનો મોરબીમાં જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. જેમાં કઠોર મહેનત કરીને ભણી ગણી શિક્ષિકા બન્યા બાદ કુદરતે અને સમાજ તેમજ પરિવારે કસોટી કરવામાં કોઈ કસર છોડી ન હતી. એક પગ કપાયો, પરિવારે તરછોડી દીધા,લગ્ન નહોતા કર્યા એટલે એકલવાયું જીવન, આ બધી જ આફતોનો એકલા હાથે સામનો કરવો ખૂબ મુશ્કેલ હતો. આમ છતાં નિવૃત શિક્ષિકા હિંમત હાર્યા વગર ભારે સંઘર્ષ કરીને જીંદાદિલીથી જીવન જીવી રહ્યા છે. એક પગે પણ ઓશિયાળા બનવાને બદલે સ્વમાનભેર જીવન જીવી પોતાની મરણમૂડી સમાન પેન્શનમાંથી અનેકવિધ પ્રવૃત્તિઓ કરી બીજા નું જીવન દીપાવી રહ્યા છે.
મોરબીના હરિપર ગામેં 61 વર્ષ પહેલા જન્મેલા અને નાનપણથી જ અભ્યાસમાં ખુબજ તેજસ્વી દેખાવે સુંદર અને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા નિતાબેન પટેલ બી.એસ.સી.બીએડ. સુધીનો અભ્યાસ પૂર્ણ કરી વર્ષ 1990 માં મોરબીની હજારો દિકરીઓ જ્યાં અભ્યાસ કરે છે એ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત સ.વ.પ.કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે જોડાયા હતા. સ્કૂલમાં નિતાબેનનો માન, મરતબો ગજબનો હતો. તેઓ ખુબજ આધુનિક, ફેશનેબલ, ફ્રી માઈન્ડ અને પોતાની મરજીથી જીવવા વાળા હોવાથી તેમની આ જીવન શૈલી પરિવાર અને સમાજના અમુક લોકોને પસંદ આવી ન હતી. આથી નિતાબેનને હેરાન પરેશાન કરવા લાગ્યા, અધૂરામાં પૂરું કુટુંબના લોકોએ પણ એમનાથી છેડો ફાડી લીધો હતો. પણ તેઓ કોઈની પરવા કરતા ન હતા. તેઓએ લગ્ન કર્યા નથી અને આજીવન કુવારા રહીને દીકરીઓને શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું. પણ વિધિની વક્રતા એ હતી કે, નિતાબેનના પગે નવા ચપલનો ડંખ પડ્યો, પોતે તમામ રીતે નિરોગી હોવા છતાં નાનો એવો ડંખ મોટી આફતમાં પરિણમ્યો, એમના પગે સડો થયો, પગમાં ગેગ્રીન થયું,રાજકોટ, જામનગર અમદાવાદ અનેક નિષ્ણાંત ડોકટરને બતાવ્યું પણ સડો મટ્યો નહિ અને અંતે પગ કાપવો પડ્યો, નિતાબેન પર જાણે આભ ફાટ્યું હોય એમ એક પછી એક અનેક આફતો આવી, એક સમયે એમને આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દેવાનો વિચાર આવ્યો.પણ હકારાત્મક જીવનશૈલીથી જીવન જીવવાનો દ્રઢ મનોબળ ધરાવતા હોવાથી આ વિચારને તરત જ મનમાંથી કાઢી નાખ્યો જો કે કુત્રિમ પગથી જીવન જીવવામાં મુશ્કેલી પડતી હોવા છતાં પણ અનેક કષ્ટો વેઠી સ્વમાનભેર જીવીને બીજાને પણ મદદરૂપ થઇ સારું જીવન જીવવાની પ્રેરણા આપી રહ્યા છે.
આટલી સેવાકીય પ્રવૃત્તિઓ, મુખ્યમંત્રીએ બિરદાવી
શિક્ષિકા તરીકે નિવૃત્ત થયા પછી પણ નિયમિત રીતે તેઓ હાલ સ.વ.પ.કન્યા વિદ્યાલયમાં લાઈબ્રેરીરિયન તરીકે સેવા આપી રહ્યા છે, પોતાની પેંશનની ધનરાસીમાંથી,મરણ મૂડીમાંથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જેમ કે, દિકરીઓનું હાઈજિન જળવાઈ રહે માટે દર મહિને 2000 જેટલી દિકરીઓને સેનેટરી પેડ અર્પણ કરે છે. શાળામાં અભ્યાસ કરતી દિકરીઓનું બ્લડગ્રુપિંગ કરવા માટે આર્થિક યોગદાન,શાળામાં પુસ્તકાલયને સમૃદ્ધ કરવા પુસ્તકો ખરીદવા માટે આર્થિક યોગદાન, વાત્સલ્ય બાલાશ્રમ નિવાસ કરતા અનાથ બાળકો માટે બબ્બે જોડી યુનિફોર્મ,દશ દશ વર્ષની પંદર દિકરીઓ માટે ફિકસ્ડ ડિપોઝીટ મૂકી એ દિકરીઓના લગ્ન સમયે રૂપિયા 51000/- એકાવન હજારનું પંદર દિકરીઓને કન્યાદાન અર્પણ કર્યું છે, બે દિકરાઓ લગ્ન પ્રસંગમાં મામેરા પુરાવ્યાં, જરૂરિયાતમંદ દિકરીની છાત્રાલય અને વિદ્યાલયની ફી ભરવી,તેમજ ઉમા સંસ્કાર ધામની વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ માટે દાન અર્પણ કર્યું છે. એક નિવૃત શિક્ષિકાની પેન્શનમાંથી આટ અટલી સેવાકીય પ્રવૃત્તિની સીએમ ભુપેન્દ્ર પટેલે પણ નોંધ લીધી છે અને સીએમએ પત્ર પાઠવી તેમની સેવાક્રિય પ્રવૃત્તિઓને બિરદાવી છે.
એક સમયે રહેવા આશરો પણ નહોતો
એક સમયે નિતાબેનને ઉપર આભ અને નીચે ધરતી હતી. તેમને રહેવા આશરો પણ નહોતો. લગ્ન ન કર્યા હોય એટલે પતિ ન હોય ઉપરથી પરિવારજનો પણ સાથે ન હોવાથી એકલી નારી આટલી બધી મુસીબતોનો સામનો કરવામાં ભાંગી પડે. પણ તેઓ જુદી માટીના બનેલા છે. તેમનામાં અદભુત આત્મવિશ્વાસ અને હિમત છે. એટલે જ તેઓ આ તમામ મુસીબતોનો હિંમતપૂર્વક સામનો કરી અડીખમ રહ્યા, પોતાના ભાગ્યને ચેલેન્જ આપી રહ્યા છે. જો કે તેમના સૌથી મોટા સદગુણ એ છે કે, તેમને જ્યારે મદદની જરૂર હતી, ત્યારે કોઈએ મદદ કરી ન હતી. આમ છતાં અત્યારે કોઈને પણ દોષ આપ્યા વગર સમાજ ઉપયોગી કાર્યો કરે છે.
ફોટા - રવિ બરાસરા