મોરબી જિલ્લાને સ્પર્શતી અને ખેતી હરિભરી રાખનાર સરકારના નર્મદા નિગમ દ્વારા 15 માર્ચથી સિંચાઇ માટેની નર્મદા યોજનાની કેનાલો બંધ કરવાની સતાવાર ઘોષણા કરવામાં આવી હોય ત્યારે કેનાલ બંધનો નિર્ણય સમગ્ર જગતાંત માટે મુશ્કેલ રૂપ બન્યો છે. હાલ ખેડૂતો ઉનાળુ વાવણીનો સમય નજીક આવતા મોંઘા બિયારણ અને ખાતર પણ ખરીદી કરી હોય પણ કેનાલ બંધ થવાની હોવાથી હવે વાવણી કરવી કે કેમ? કેનાલ ચાલુ થશે કે કેમ? ખેડૂતો મૂંઝવણ માં મુકાયા હોય તાકીદે કેનાલ ચાલુ કરવા આમ આદમી પાર્ટીના કિશાન સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરતા જણાવ્યું છે કે, નર્મદા ડેમ સિંચાઈના હેતુ માટે જ બન્યો છે. સરદાર સરોવર ડેમમાં હાલ પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તો પણ કેમ ખેડૂતોને મળતા પાણીમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે ચોમાસુ સીઝનમાં વાતાવરણ અનુકૂળ ન હોવાથી ખેડૂતોનું પાક ઉત્પાદન ખૂબજ ઘટયું હતું સાથે જ પાકનો પૂરતો ભાવ પણ ન મળવાથી ખેડૂતોએ ખરીફ સીઝન માં ખુબ જ મોટું નુકશાન ભોગવ્યું છે જે ભરપાઈ કરવા માટે ઉનાળુ સીઝન લેવી ખેડૂતો માટે ખૂબ જ જરૂરી છે. આ સમયે કેનાલ બંધ કરવાનો નિર્ણય ખેડૂતો પર ઘાતક સાબિત થશે માટે તત્કાલિક ધોરણે નિર્ણય પરત ખેંચવામાં આવે અને કેનાલો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરી છે. સરકાર અને નિગમ આ મુદ્દે વિચારણા કરી નિર્ણય પરત નહીં ખેંચે તો ચૂંટણી પ્રચાર સમયે નેતાઓ ખેડૂત ના આક્રોશ નો ભોગ બનશે તેવું જણાવ્યું છે.