માળિયા તાલુકામાં તાત્કાલિક ધોરણે (CCI)નું કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવાની રજુઆત
મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં ખેતીમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થતું હોય પણ જિલ્લાના માળીયા મી. તાલુકામાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)નું કપાસ ખરીદી કેન્દ્ર ન હોવાથી સ્થાનિક ખેડૂતોને કપાસ વેચવા મોરબી, રાજકોટના ધક્કા ખાવા પડે છે. તેથી ખેડૂતોને ભારે હાલાકી પડે છે. આથી કોંગ્રેસે માળીયા તાલુકામાં ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક ધોરણે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)નું કપાસ ખરીદી કેન્દ્ર શરૂ કરવાની માંગ કરી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી અને CCIના સૌરાષ્ટ્ર ઝોનલ મેનેજરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, માળિયા તાલુકો મોરબી જિલ્લાના મુખ્ય કપાસ ઉત્પાદન વિસ્તારોમાંનો એક છે. અહીં હજારો નાના-મોટા ખેડૂતો કપાસની ખેતી કરી ગુજરાન ચલાવે છે. જોકે, તાલુકામાં CCI ખરીદી કેન્દ્ર ન હોવાથી ખેડૂતોને તેમના પાકને ટેકાના ભાવ (MSP) પર વેચવા માટે મોરબી, રાજકોટ અથવા અન્ય દૂરના શહેરોમાં જવું પડે છે. આના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને MSPની સુવિધાનો સીધો લાભ મળતો નથી. તેથી તેઓએ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને માળિયા તાલુકામાં ઝડપથી CCI ખરીદી કેન્દ્ર શરૂ કરવા માટે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.