કલેક્ટરના હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં કંપનીએ કામ ચાલુ રાખતા ખેડૂતોએ અટકાવ્યું, કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થયેલા રૂટ મેપની માંગ
મોરબી : મોરબી જિલ્લાના પીલુડી ગામ સહિતના વિસ્તારોમાંથી ખાવડાથી હળવદ 765 KV ટ્રાન્સમિશન લિમિટેડ (અદાણી) કંપનીની લાઈન પસાર થઈ રહી છે. આ લાઇનના કામને લઈને આજે પીલુડી ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અને ખેતરમાં જઈને ચાલી રહેલી કામગીરી અટકાવી હતી.
ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કલેક્ટર દ્વારા કરવામાં આવેલા હુકમ વિરુદ્ધ તેઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે અને સિવિલ કેસ દાખલ કર્યો છે (Special Leave Petition (Civil), Diary No.: 30176/2026). જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી કામગીરી બંધ રાખવા ખેડૂતો દ્વારા અગાઉ વિનંતી કરવામાં આવી હતી. આમ છતાં કંપની દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતા આજે ખેડૂતોએ જાતે ખેતરમાં જઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગ દ્વારા એપ્રુવ કરવામાં આવેલ ટ્રાન્સમિશન લાઈનનો રૂટ મેપ કંપની દ્વારા આપવામાં આવે જેથી ખેડૂતો તેને ચેક કરી શકે. ખેડૂતોએ સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં સિવિલ કેસ ચાલે છે ત્યાં સુધી કંપની તેમના ખેતરમાં કામ ન કરે. કોર્ટના કેસનો ચુકાદો આવ્યા બાદ જ ખેડૂતો કંપની સાથે વળતર બાબતે આગળની ચર્ચા કરશે. આ વિરોધ પ્રદર્શનમાં ગોપાલજીભાઈ પ્રભુભાઈ કડીવાર, વિષ્ણુકુમાર પ્રભુભાઈ પટેલ, મુકેશભાઈ ખીમજીભાઈ પટેલ, અમરશીભાઈ હરિભાઈ ચંદ્રોલા, અંબારામભાઈ બચુભાઈ રાંકજા, મનસુખભાઈ ભુદરભાઈ એરણીયા, રમેશભાઈ હંસરાજભાઈ કડીવાર, પ્રાણજીવનભાઈ ભગવાનજીભાઈ પંચાસરા, નાથાલાલ ધનજીભાઈ અમૃતિયા, ધીરજલાલ નરભેરામ અમૃતિયા, દુર્લભજીભાઈ નથુભાઈ અઘારા અને અમિતભાઈ રામજીભાઈ ભાડજા સહિતના ખેડૂતો જોડાયા હતા.