Monday - Aug 24, 2026

મોરબીના ભક્તિનગર ગામે શિયાળા બાદ કેનાલ બંધ કરાતા ખેડૂતો ઉનાળુ પાકથી વંચિત

મોરબીના ભક્તિનગર ગામે શિયાળા બાદ કેનાલ બંધ કરાતા ખેડૂતો ઉનાળુ પાકથી વંચિત

મોરબી નજીક આવેલું ભક્તિનગર ગામનો ટૂંકો જ ઇતિહાસ છે. કારણ કે, મોરબીની અડોઅડ આવેલ રવાપર નદી ગામમાંથી અલગ પડી 1979માં આવેલ જળ હોનારત પછી 1980માં આ ભક્તિનગર ગામ નવું બન્યું હતું. આ ગામમાં આમ તો બધી જ સુવિધાઓ છે. માત્ર ખેડૂતોને એક વાતનું દુઃખ છે. કે, અત્યારે ગામની ખેતી નર્મદા કેનાલ આધારિત હોય પણ ગામલોકો શિયાળુ અને ચોમાસુ એમ બે જ પાક લઈ શકે છે. કારણ કે, શિયાળુ સીઝન પુરી થઈ જતા અધિકારીઓ નર્મદા કેનાલ બંધ કરી નાખતા હોય વર્ષોથી ખેડૂતો ઉનાળુ પાક લઈ શકતા નથી એજ ખેડૂતોની મોટી વેદના છે.

મોરબી નજીક આવેલા ભક્તિનગર ગામના સરપંચ કહે છે કે, જળ હોનારત પછી રવાપર નદીમાંથી મોટો હિસ્સો અલગ પડીને ભક્તિનગર સ્વતંત્ર ગ્રામ પંચાયત બન્યા બાદ શરૂઆતમાં બધા જ લોકો ખેતી સાથે જોડાયેલા હતા. જો કે તે સમયે ચોમાસા આધારિત જ ખેતી હતી. એટલે ગામના બધા ખેડૂતો વર્ષમાં એકવાર પાક લઈ શકતા. આમ છતાં પણ હરિભરી ખેતીને કારણે ખેડૂતોની સ્થિતિ થોડી સારી હતી. જ્યારે હાલ 500ની આસપાસ વસ્તી ધરાવતા આ ગામમાં પણ હમણાં છેલ્લા ઘણા વર્ષોથી નર્મદા કેનાલ આવી ગઈ છે. એટલે ખેતીમાં મોટું સુખ થઈ ગયું છે. કારણ કે, વર્ષો અગાઉ એક પાક લઈ શકતા હવે બે પાક પણ લઈ શકાય છેપણ ઘણા ગામો ત્રણે ત્રણ સિઝનનો પાક લઈ શકતા હોય એટલે આમરા ગામના ખેડૂતોને પણ ત્રણે ત્રણ પાક લેવાની આશા જાગી છે. પણ એની સામે મોટો વાંધો એ છે કે, ચોમાસુ પાક લીધા બાદ નર્મદા કેનાલમાંથી શિયાળુ પાક માટે પાણી છોડાય છે અને જેવો શિયાળુ પાક પૂરો થઈ જાય કે તરતજ કેનાલ બંધ કરી દેવામાં આવે છે. આથી વર્ષોથી ગામના ખેડૂતો ઉનાળુ પાક લઈ શકતા નથી. જો શિયાળુ પાક પછી પણ કેનાલ ચાલુ રહે તો ખેડૂતોને મોટો ફાયદો થાય એમ છે. જો કે હવે એટલે એક કે બે દાયકાથી શિક્ષણનું પ્રમાણ ઉતરોતર વધતા મોટી ઉંમરના જ લોકો ખેતી કરે છે. બીજા બધા ગામના યુવાનો કોઈને કોઈ શહેરમાં નોકરી તેમજ સીરામીક ઉધોગ ઉપરાંત કોઈને કોઈ વસ્તુઓની દુકાનો કરીને વેપાર ધંધા કરે છે. આ ગામને હવે 44 વર્ષ થતા હાલ 80 ટકા જેવું શિક્ષણ હોય મોટાભાગના યુવાનો એન્જીયનીયર, ડોકટર, શિક્ષક સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હોય અન્ય શહેરોમાં નોકરી અર્થે રહેતા હોય પણ આ માદરે વતનનું ઋણ ચૂકતા ન હોય આ ગામમાં બધા જ મકાનો ઇમારતવાળા પાકા અને ગામની દરેક શેરીઓમાં પાકા રોડ, લાઈટ, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા, ઘરેઘરે શૌચાલય, સ્કૂલ, આંગણવાડી તેમજ પાણીનું મોટું સુખ છે.

ગામ હજુ પણ દવાખાનું ન હોવાથી ગામનું આરોગ્ય રામભરોસે

ભક્તિનગર ગામમાં મૂળભૂત સુવિધાઓ છે. પણ હજુ સુધી બહુ મોટી હોસ્પિટલ તો નહીં પણ સામાન્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ નથી. આ પ્રાથમિક આરોગ્ય ન હોવા બાબતે ગામના અગ્રણી કહે છે કે, ગામ ઘણું નાનું હોય એટલે દવાખાનું નથી. જો કે આ વાત અન્ય ગ્રામજનોને ગળે ઉતરે એવી નથી. ગ્રામજનોના કહેવા મુજબ ગામની 500ની વસ્તી એ નાની સુની વાત નથી અને એના પ્રાથમિક ઉપચાર માટે સામાન્ય દવાખાનું ન હોવું એ નાલોશીભરી બાબત છે. ત્યારે કોઈ ઇમરજન્સી આવે તો કદાચ દવાખાનું હોય તો એ દર્દીને પ્રાથમિક ઉપચાર તો આપી શકાય. પણ દવાખાનું ન હોવાથી ઇમરજન્સી દર્દીને મોરબી પહોંચવામાં વાર લાગે તો એના જીવ ઉપર જોખમ રહે છે. એટલે આટલા વર્ષો પછી પણ દવાખાનું ન હોવાથી ગામનું આરોગ્ય રામભરોસે થઈ ગયું છે.