નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આયોજિત કવિ સંમેલનમાં કવિઓની શબ્દસૃષ્ટિથી વાસ્તવિકતાને વ્યંગથી રજુઆતથી મોટી સંખ્યમાં ઉપસ્થિત શ્રોતાજનો મંત્રમુગ્ધ
મોરબી : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને નિર્શિવ ફાઉન્ડેશન, મોરબીના સંયુક્ત ઉપક્રમે શક્ત શનાળા સ્થિત પટેલ સમાજ વાડી ખાતે ‘અઢી અક્ષરનું ચોમાસું’ નામે કાવ્યરસથી છલકાતી સાહિત્યિક સંધ્યા યોજાઈ હતી. મોરબીના મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં કવિઓની રચનાઓ, ગઝલો અને કાવ્યપઠને સમગ્ર વાતાવરણને સાહિત્યમય બનાવી દીધું હતું.
કાર્યક્રમનું માર્ગદર્શન યુવા વિકાસ અધિકારી શ્રીમતી હિરલબેન વ્યાસ દ્વારા આપવામાં આવ્યું હતું. પ્રસંગે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી તથા મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના આ સાહિત્યિક પ્રયાસને બિરદાવી કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા આવા આયોજનો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કવિઓની કલમે ખીલ્યું કાવ્યનું ચોમાસું
‘અઢી અક્ષરનું ચોમાસું’માં મુર્ધન્ય કવિઓ દીપક ત્રિવેદી, હર્ષિદા ત્રિવેદી, રામ વારોતરીયા, વિશાલ પારેખ, જનાર્દન દવે અને પંકજદાન ગઢવીએ પોતાની આગવી રચનાઓ, ગઝલો અને કાવ્યોની પ્રસ્તુતિ કરી હતી. કવિઓની શબ્દસૃષ્ટિ અને રજૂઆતથી ઉપસ્થિત શ્રોતાઓ કાવ્યરસમાં તરબોળ બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું રસપ્રદ અને પ્રભાવશાળી સંચાલન સત્યરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.
કાવ્ય લેખન સ્પર્ધાના વિજેતાઓ જાહેર
આ પ્રસંગે યોજાયેલી કાવ્ય લેખન સ્પર્ધાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે કવિ શ્રી જલરૂપ, દ્વિતીય ક્રમે શ્રી સંજય બાપોદરીયા ‘સંગી’ અને તૃતીય ક્રમે શ્રી રાઘવ વૈષ્ણવએ સ્થાન મેળવ્યું હતું.
કાર્યક્રમના નિમંત્રક તરીકે નિર્શિવ ફાઉન્ડેશનના ફાઉન્ડર રોહનભાઈ રાંકજા, આરતી રોહન તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ રહ્યા હતા.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે અદિતિ વિરમગામા, બંસી વિડજા, શ્રુતિ રાંકજા, સાવન પટેલ, શિરીષ રાંકજા, ભૂમિ દેત્રોજા અને નિરતીબેન અંતાણી સહિતના યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. કવિતાના શબ્દો, ગઝલના સૂર અને સાહિત્યપ્રેમીઓની ઉપસ્થિતિ વચ્ચે ‘અઢી અક્ષરનું ચોમાસું’ સાહિત્યરસની યાદગાર સંધ્યા બનીને સંપન્ન થયું હતું.