કલા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન મેળાનો પ્રારંભ થતા મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમથી જનમેદની ઉમટી પડી
મોરબી : મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર બિરાજમાન સ્વંયભુ જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં રવિવારે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ભારત દેશની અંદર યોજાતા લોક મેળાઓ પૈકી સૌપ્રથમ મેળો જડેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાયો છે જેનો લાભ લેવા માટે ગુજરાત અને ગુજરાત બહારથી પણ લોકો આવતા હોય છે. કલા, ભક્તિ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન મેળાનો પ્રારંભ થતા મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમથી જનમેદની ઉમટી પડી છે.
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ પાસે આવેલ રતન ટેકરી ઉપર સ્વયંભૂ જડેશ્વર દાદા બિરાજમાન છે અને શ્રવણ મહિનાનો બીજો સોમવારે જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ છે જેથી ત્યાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે સામાન્ય રીતે રવિ અને સોમવાર એમ બે દિવસ લોકમેળાનું આયોજન થતું હતું પરંતુ હવે આ વખતે અહીંયા ત્રણ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગઈકાલે આ લોક મેળાને ખુલ્લો મુકાયો હતો. એ સાથે જ આ લોકમેળાને માણવા માટે માત્ર મોરબી કે સૌરાષ્ટ્ર જ નહીં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.
વર્ષોથી યોજાતા જડેશ્વર દાદાના સાનિધ્યમાં લોક મેળામાં આજે શ્રાવણ માસના બીજા સોમવારે મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડી પ્રથમ જડેશ્વર દાદાના દર્શન અને ભક્તિ કીર્તનનો લાભ લઇ પરિવાર સાથે લોકમેળાનો આનંદ માણી જડેશ્વર દાદાના વિશેષ પૂજન તથા પ્રસાદનો લાભ લઈને આ લોકમેળામાં ફજેત, ટોરાટોરા, બ્રેક ડાન્સ જુલા સહિતની રાઈડો તથા અનેક રમકડાના સ્ટોલની મજા માણી હતી.
જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, દેવાધી દેવ મહાદેવ બાર જ્યોતિર્લિંગ સ્વરૂપે ભારતમાં સાક્ષાત બિરાજમાન છે જો કે, આ બાર પૈકી પહેલું અને સર્વ શ્રેષ્ઠ જોયતિર્લિંગ સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ છે. જો કે, જડેશ્વર મહાદેવ પણ સ્વયંભૂ પ્રગટ થયા છે જેથી કરીને તેનું મહત્વ પણ જયોતિર્લિંગ જેટલું છે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.
લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, દરવર્ષે શ્રાવણ માસનો બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ હોવાથી પ્રાગોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જડેશ્વર દાદાની રવડી મંદિરથી નીકળીને લોકમેળાના મેદાન સુધી જાય છે અને ત્યાર બાદ જડેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ કરવામાં આવે છે અને ત્યાર બાદ દાદાને વિશેષ શણગાર કરવામાં આવે છે. જેથી હજારોની સંખ્યામાં મંદિરે આવતા શિવભક્તો દર્શન, પૂજન, ભંડારો-મહાપ્રસાદ વિગેરેનો લાભ લેતા હોય છે.