Thursday - Apr 30, 2026

નવા નેશનલ હાઇવે સામે ખેડૂતો આગબાબુલા મોરબીના પીપળીયાના ગામના 12 ખેતરોની જમીન નેશનલ હાઇવે માટે કપાતમાં જશે

નવા નેશનલ હાઇવે સામે  ખેડૂતો આગબાબુલા

મોરબીના પીપળીયાના ગામના 12 ખેતરોની જમીન નેશનલ હાઇવે માટે કપાતમાં જશે

કેન્દ્ર સરકાર દ્વારા મોરબી જિલ્લાના નવલખી પોર્ટ અને મોરબી બાયપાસને જોડતો નવો નેશનલ હાઇવેની અમલવારી કરાતા આ નેશનલ હાઇવેને કારણે મોરબી અને માળીયાના 14થી વધુ ગામોની ખેતીની જમીન કપાતમાં જવાની દહેશત હોવાથી શરૂઆતથી આ ગામોના ખેડૂતો નવા નેશનલ હાઇવેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને વારંવાર કલેકટર મારફત સરકારને રજુઆત કરીને પોતાની રોજગારીના ભોગે કોઈ કાળે નવા નેશનલ હાઇવેની અમલવારી ન કરવાની માંગણી કરી છે.

14 ગામો પૈકીના એક મોરબીના પીપળીયા ગામના ખેડૂતોએ પણ આ નવા નૅશનલ હાઇવેનો સખત વિરોધ નોંધાવ્યો છે. આ ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ આ નવો નેશનલ હાઇવે અમારા ગામમાંથી નીકળવાનો હોય જેથી આ હાઇવેને બનાવવા માટે ગામના 12જેટલા ખેતરોની જમીન કપાતમાં જાય એમ છે. જો આ ખેતીની જમીન કપાઈ જશે તો ખેડૂતો રોજીરોટી વગરના થઇ જશે અને આ ઉંમરે રોજીરોટીની તલાશ માટે દર દર ભટકવા મજબુર બનવું પડશે. આથી ખેડૂતોની એવી ઉગ્ર માંગ છે કે કોઈપણ ભોગે આ નવો નેશનલ હાઇવે અમારી ખેતીની જમીનમાંથી ન જ નિકળવો જોઈએ. તેમ છતાં પણ આ હાઇવે નીકળે તો સરકારને અમારી રોજીરોટીની વ્યવસ્થા પહેલા કરવી જોઈએ.આ મામલે ખેડૂતોએ વારંવાર રજુઆત કરતા  હજુ કોઈ નિર્ણય આવ્યો નથી.

પીપળીયા ગામની 1200ની આસપાસ વસ્તી છે અને ગામલોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. 600થી વધુ લોકો ખેતી પર નભે છે. ગામલોકોએ જાતે જ સુંદર ઉપવન અને મંદિર બનાવ્યું છે. ખેતી સમૃદ્ધ હોય લોકોનું જીવન ધોરણ સુયોગ્ય રીતે ચાલે છે. એટલે અત્યાર સુધી ગામલોકોને એકેય પ્રશ્ન સતાવ્યો નથી. પણ હવે નવા નેશનલ હાઇવે ગામલોકોની નિદર હરામ કરી નાખી છે. આ ગામથી જામનગર તરફ અને મોરબીથી નવલખી તરફના એમ બે હાઇવે ઓલરેડી છે જ. ત્યારે ખેતીના ભોગે નવા હાઈવેની શુ જરૂરત છે તેવો ખેડૂતોએ બળાપો ઠાલવ્યો છે. હવે ખેતી જ છીનવાઈ જશે તો આ ગામ જ ભાંગી પડશે અને ખેડૂતોની રોજીરોટી છીનવાઈ જશે અને નવી રોજગારી શોધવા નીકળવું પડશે.