ગાળો બોલવાની ના પાડવા મામલે થયેલા ઝઘડાનો લોહિયાળ અંજામ આવ્યો
મોરબી : મોરબી નજીકના વનાળિયા ગામમાં નિશાળ વાળી શેરીમાં કૌટુંબિક કાકા અને ભત્રીજા વચ્ચે ગાળો બોલવાના ના પાડવા મામલે થયેલા ઝઘડાનો લોહિયાળ અંજામ આવ્યો હતો. આ સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે, કાકાએ જ ભત્રીજાને છરીના ઘા ઝીકીને નિર્મમ રીતે રહેંસી નાખતા નાના એવા ગામમાં અને તેના પરિવારમાં આઘાતથી સોપો પડી ગયો હતો.
મોરબીના વનાળિયા ગામની નિશાળ વાળી શેરીમાં ગાળો બોલવા મામલે મહેશ ગોવર્ધન રાઠોડ નામના યુવાનને તેના કૌટુંબિક કાકા સુરેશ કાનજી રાઠોડ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કાકા સુરેશ કાનજી રાઠોડના મગજમાં રીતસર ખૂનન્સ સવાર થઈ જતા તેણે ક્રોધે ભરાઈને ભત્રીજા મહેશના પેટમાં છરીના ઘા ઝીંકી દેતા આ ગંભીર જીવલેણ હુમલામાં ઘવાયેલા મહેશ ગોવર્ધન રાઠોડનું મોત થતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. હત્યાની આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી મૃતકના પરિવારજનની ફરિયાદ નોંધવાની વિધિવત તજવીજ હાથ ધરી આરોપીને પણ ઝડપી લેતા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.