પોણા ત્રણ વિઘા જમીન વેચાતી લેતા પહેલા ખરીદનારે મૂળ માલિકને જાણ કરતા જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું, એક આરોપી પોલીસ સંકાજામાં
મોરબી : મોરબીના ચકચારી વજેપર સર્વે નંબર 604નું જમીન કૌભાંડ હજુ તાજું જ છે તેવામાં વજેપર સર્વે નંબર 767 પૈકી2ની પોણા ત્રણ વિઘા જમીન મૂળ માલિકની જાણ બહાર બોગસ પાનકાર્ડ, આધારકાર્ડ અને વારસાઈ આંબો બનાવી 1.80 કરોડ રૂપિયામાં વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ જમીન કૌભાંડમાં જમીન ખરીદનાર મૂળ માલિક સુધી પહોંચી જતા હાલમાં એક આરોપી પોલીસ ગિરફતમાં આવી ગયો છે. સમગ્ર મામલે બે આરોપીઓ વિરુદ્ધ નામ જોગ અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.
મોરબીના વજેપરમાં નવા જમીન કૌભાંડની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મિલનભાઈ પ્રકાશભાઈ ફુલતરિયા નામના જાગૃત વેપારી પાસે આરોપી અમિત મોહનભાઇ પરમાર રહે.રાધાપાર્ક, નવા બસસ્ટેન્ડ પાછળ વાળો પોતાની જમીન વજેપર રેવન્યુ સર્વે નંબર 767 પૈકી2 ની પોણા ત્રણ વિઘા રૂ.1.80 કરોડના વેચાણ આપવા માટે આવ્યો હતો. આરોપીએ મૂળ જમીન તળશીભાઈ ભગવાનજીભાઈ ચાવડાની હોવા છતાં ખોટી ઓળખ આપી વારસાઈ આંબો, તળશીભાઈનું આધારકાર્ડ અને પાનકાર્ડ સહિતના પુરાવા બનાવી મિલનભાઈ સાથે જમીન વેચાણ માટે આવી 20 લાખ રૂપિયામાં સોદાખત કરવાનું કહ્યું હતું. જેથી મિલનભાઈને શંકા જતા તેમના પરિચિત મારફતે જમીનના મૂળ માલિકને શોધી ગઈ તા.12ના રોજ ફરિયાદી બાબુભાઇ તળશીભાઈ ચાવડા રહે.રાફડાની વાડી, શનાળા રોડ, ભક્તિનગર પાસે ગયા હતા અને જમીન વેચાણ અંગે વાત કરતા બાબુભાઇ ચોકી ઉઠ્યા હતા.
બીજી તરફ જમીન માલિક બાબુભાઇ તળશીભાઈ ચાવડાને જમીન કૌભાંડ અંગે જાણ થતાં જ તેઓએ મિલનભાઈ ફુલતરિયાને જ્યારે આ જમીન કૌભાંડ કરનાર તમારી સાથે સોદાખત કરવા આવે અને વાતચીત કરવા આવે ત્યારે જાણ કરવા કહેતા ગઈકાલે બપોરના સમયે આરોપી અમિત મોહનભાઇ પરમારે જમીન ખરીદવા ઈચ્છા દર્શાવનાર મિલનભાઈને હાઉસિંગ બોર્ડ પાસે જમીનના સોદા માટે બોલાવતા જ મૂળ માલિક બાબુભાઇ સહિતના લોકો ત્યાં પહોંચી ગયા હતા અમે 112 જનરક્ષકને ફોન કરી બોલાવી લેતા આરોપી અમિત મોહનભાઇ પરમાર બરાબરનો ફસાઈ જતા આરોપીએ દર્શીત પ્રવીણભાઈ મેવાડા રહે.લાયન્સનગર વાળા પાસે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું કબુલ્યુ હતી. જો કે, આરોપી અમિતને પોલીસને સોંપવા માટે તૈયારી થતા અન્ય બે અજાણ્યા માણસો બાઈક લઈને આવ્યા હતા અને અમિતને લઈ જવા પ્રયાસ કર્યો હતો પરંતુ કારી ફાવી ન હતી. હાલમાં સીટી એ ડિવિઝન પોલીસે જમીન કૌભાંડ મામલે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.