સવારે વરાપ હોવાથી કામ ચાલુ કર્યું બાદમાં વરસાદ પડ્યાનો તંત્રનો લુલો બચાવ
મોરબી : મોરબીમાં આજે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. જેમાં મોરબીના કોયલી- ખાનપર રોડ ઉપર રોડનું રિપેરીગ કર્યું હતું. એ પણ વરસતા વરસાદમાં. વરસાદમાં ડામરના થિંગડા મારીને બુદ્ધિનું દેવાળું ફૂંકયું હતું. જો કે તંત્રએ આ મામલે સવારે વરાપ હોય ત્યારે કામ ચાલુ કર્યું અને પછી વરસાદ આવ્યો હોવાનો લુલો બચાવ કર્યો છે.
આજે ચાલુ વરસાદમાં મોરબીના કોયલી-ખાનપર રોડ ઉપર ડામરનું રિપેરીગ કામ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. પાણીના કારણે ડામર રહેતો ન હોવા છતા પણ આ રોડ ઉપર ચાલુ વરસાદે ડામરથી પેચ વર્કનું કામ કર્યું હતું. આ બાબતે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના કાર્યપાલક ઈજનેર દિવ્યેશ બાવરવાએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાકટરે આજે સવારે વરાપ હોય ત્યારે એટલે કે સવારે 5 વાગ્યે રોડ ઉપર ડામરનું રિપેરીગ કામ કરવાની તૈયારી કરી સવારે 7 વાગ્યે તેઓ કામ શરૂ કરવા નીકળી ગયા હતા. મોડે સુધી વરસાદ ન હતો. કામ બરાબર ચાલી રહ્યું હતું. પણ બાદમાં વરસાદ શરૂ થયો હતો. આ કામ માટે કોન્ટ્રાકટરને પૈસા ચૂકવાશે નહી અને ઉઘાડ નીકળ્યા બાદ ફરીથી એ રોડ ઉપર વ્યવસ્થિત રીતે પેચવર્કનું કામ કરાશે.
ફોટો રવિ બરાસરા