મોરબી નજીક નકલી ટોલનાકુ ઝડપાયા બાદ બધું જ નકલી.. નકલી.. ઝડપાયા બાદ હવે દારૂ પણ નકલી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. એલસીબી ટીમે ગઈકાલે મોરબીના રણછોડનગર વિસ્તારમાંથી નકલી દારૂ બનાવવાની ફેકટરી ઝડપી લીધી હતી પણ દરોડા દરમિયાન મુખ્ય આરોપી પોલીસને હાથ આવ્યો ન હતા. આ ફેકટરીમાં સસ્તો દારૂ મોંઘી બોટલમાં નકલી સ્ટીકર લગાવીને મોંઘા ભાવે વેચાતો હોવાનું ખુલ્યું છે.
મોરબીના રણછોડનગરમાં રહેતો અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનને નકલી દારૂની ફેકટરીમાં ફેરવી દીધું હોય અને આ મેઈન સૂત્રધાર સસ્તો દારૂ મંગાવી અન્ય બ્રાન્ડેડ મોંઘી બોટલમાં ભરી નકલી સ્ટીકર, ઢાંકણ લગાવી વેચતો હોવાની બાતમી મળતા એલસીબીની ટીમે આ આરોપીના મકાનમાં છાપો માર્યો હતો.પણ આરોપી હાથ આવ્યો ન હતો. એલસીબી ટીમે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની 41 બોટલ કિંમત રૂપિયા 14,350, બોટલ ઉપર લગાવવાના નકલી સ્ટીકર નંગ 640, અલગ અલગ બ્રાન્ડની બ્રાન્ડેડ દારૂની 396 ખાલી બોટલ, ટેપરોલ, ગરણી ડિસમિસ, ઇન્જેક્શન તેમજ મીણબત્તી સહિતનો 14,490નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે નકલી દારૂ બનાવવાની ફેકટરીનો પર્દાફાશ થઈ ગયો હતો અને આ શખ્સ કઈ રીતે નકલી દારૂ બનાવીને પ્યાસીઓના પેટમાં ઝેર પધરાવતો તેનું રહસ્ય પણ ખુલ્યું છે.
આરોપી અલ્તાફ ઉર્ફે રાજા નામનો શખ્સ સસ્તા ભાવે આવતી દારૂની બોટલ મંગાવી બાદમાં વેટ 69, બ્લેન્ડર, બ્લેક ડોગ સહિતની ખાલી બોટલમા ભરી નકલી સ્ટીકર લગાવી સસ્તો દારૂ મોંઘા ભાવે વેચવાનું કૌભાંડ આચરી નકલી દારૂની મીની ફેકટરી ચલાવીને પ્યાસીઓની ડિમાન્ડ પુરી કરતો હતો. અસલી હોય કે નકલી દારૂ બેય હેલ્ધી ખતરનાક જ હોય પણ સૌથી વધુ ખતરા રૂપ સસ્તો નકલી દારૂ હોય આથી મામલે મોરબી એલસીબી પોલીસે અલ્તાફ ઉર્ફે રાજા તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરી કેટલા સમયથી આ શખ્સ નકલી દારૂની ફેકટરી ચલાવતો હતો અને બીજા કોણ કોણની સંડોવણી છે તે સહિત નકલી દારૂનું નેટવર્કના પર્દાફાશ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે.