Saturday - May 18, 2024

પતિને બચાવવા પત્નીએ જાત ઘસી નાખી છતાં ચૂડીને ચાંદલો નંદવાયો હોય હવે હતભાગી વિધવા મહિલાને હિંમત તથા આત્મ વિશ્વાસ જગાડવા સંસ્થાઓ આગળ આવે તેવી અપીલ

પતિને બચાવવા પત્નીએ જાત ઘસી નાખી છતાં ચૂડીને ચાંદલો નંદવાયો હોય હવે હતભાગી વિધવા મહિલાને હિંમત તથા આત્મ વિશ્વાસ જગાડવા સંસ્થાઓ આગળ આવે તેવી અપીલ

કહેવાય છે કે કુદરત તારી કસોટીની પ્રથા સારી નથી, જેની કસોટી કરે છે એની દશા સારી હોતી નથી. આ ઉક્તિ પ્રમાણે મોરબીના એક સામાન્ય પરિવારની એટલી હદે કસોટી કરી કે પતિને છીનવી લીધા બાદ પત્ની આફતમાં મુકાય ગઈ હતી. પતિના અવસાન બાદ બે સંતાનોની તો જવાબદારી હતી. પણ હવે પતિના અવસાન બાદ ત્રીજા સંતાનની જવાબદારી માથે આવતા ભર જુવાનીમાં  વિધવા થયેલી પત્ની મુસીબતમાં મુકાય ગઈ હોવા છતાં પોતે અને ત્રણ સંતાનોનું ઉજ્જવળ ભવિષ્ય માટે કમર કસી હોય એને સ્વમાનભેર જીવન જીવવા સંસ્થાઓ સમક્ષ રોજગારી મેળવવા માટે મદદનો પોકાર કર્યો છે.

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ વરિયા નગર શેરી નંબર-11માં રહેતા ગટુભાઈ ઉર્ફે સંજયભાઈ કાંતિલાલ મકવાણા ઉ.વ.35  અને એમની પત્ની નિતાબેન ઉ.વ.28 ના લગ્ન થયાને થોડો સમય જ વીત્યો હોય ત્યાં તેમના લગ્નજીવનના મધુરબાગમાં એક પાંચેક વર્ષની દીકરી અને એક ત્રણ વર્ષનો દીકરા રૂપી બે પુષ્પો ખીલ્યા છે. જો કે ગટુભાઈ ભણેલા ભલે ઓછું હોય પણ સમજણ અને દુનિયાદારીનું ભાન હોય પોતાની પત્ની અને બે સંતાનોનું સારી પેઠે ભરણપોષણ કરતા. તેઓ સીરામીક કે અન્ય કોઈ જગ્યાએ મજૂરી કરતા હોય એમાં સામાન્ય 15થી 25 હજારની કમાણી થતી હોય પણ એ બધી કમાણી આજના કપરા મોંઘવારીમાં પરિવારના જતન માટે ખર્ચાય જતી. ઉપરથી પોતાનું મકાન ન હોય અને ભાડાનું મકાન હોય એનું દર મહિને ભાડું, લાઈટ, ગેસ બીલ આ બધું જ પરવડતું ન હોવા છતાં એક દિવસ સોનાનો સૂરજ ઉગશે જ એવી આશા લઈને જીવન જીવતા હતા. પણ કપરા લગ્નજીવનને પણ હર્યો ભર્યો ઘરસંસાર બનાવવાના સપના જોતા 35 વર્ષીય આ યુવાનની જાણે કુદરતને પણ ઈર્ષ્યા આવતા તેમની કસોટી કરવામાં કઈ બાકી ન રાખતા ગટુભાઈની ટૂંકાગાળામાં જ હસતી ખેલતી જિંદગી ઉજ્જડ બની ગઈ, બન્યું એવું કે, તેમને થોડા સમય પહેલા બ્લડ કેન્સરની બીમારી લાગુ પડી અને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં પડ્યા પણ નીતિબેન અને તેમના સસરા કે પિયરજનો કોઈપણ ભોગે તેણીનું દાંમ્પત્ય જીવન બચાવવા માંગતા હોઉં કેમેય કરીને હોસ્પિટલમાં સારી સારવાર મળે તેવી વ્યવસ્થા કરતા જ હતા. પણ લોહી વારંવાર ઉડી જતું હોય અને આવા કપરા કાળમાં લોહીની વ્યવસ્થા ન થતા ગટુભાઈનો જીવન દીપ બુઝાય ગયો એ સાથે જ એમના પત્ની નીતાબેનની જિંદગીમાં અંધકારની કાલીમાં છવાઈ ગઈ, આ પરિવાર એટલી હદે આર્થિક રીતે સાધારણ છે કે, ગટુભાઈની તમામ અંતિમવિધિ પણ જ્ઞાતિજનો અને સ્નેહીજનોની મદદથી કરવામાં આવી હતી. નીતાબેન ઉપરથી દુઃખનું આભ તૂટી પડ્યું છે. એક તો તેમના પતિની ચીર વિદાયથી કમાનનાર કોઈ ન રહ્યું અને ઉપરથી પોતે ગર્ભવતી હોવાથી તાજેતરમાં તેમને પ્રસુતિ થઈ અને ત્રીજા સંતાન રૂપે પુત્રનો જન્મ થયો હવે તેમના માથે ત્રણ સંતાનોની જવાબદારી આવી પડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં સેવાભાવી સંસ્થાઓનો તૂટો નથી. દરેક આપત્તિમાં સંસ્થાઓ અને ગુમનામ દાતાઓ દાન કરીને મહામૂલી જિંદગી બચાવતા હોય છે. ઘણી સામુહિક આપતિ કે વ્યક્તિગત મુશ્કેલીમાં એક જ મદદનો પોકાર ઉઠે તો એને મદદ કરવા હજારો હાથ ઉઠે છે. આવી જ આ વ્યક્તિગત મુશ્કેલી આવી હોય આ યુવતીને મદદ કરવા માટે (સરનામું- મોરબીના સામાકાંઠે સોઓરડી, વરિયાનગર શેરી નંબર-11- મો.9725853140 પર કોન્ટેક કરવો)ની મુલાકાત લઈને એમને મદદરૂપ થવા અપીલ કરવામાં આવી છે.