બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપી અજાણ્યા શખ્સે રૂ.94,678 છેતરપીંડી કર્યાની ફરિયાદ
મોરબી : મોરબીમાં સંખ્યાબંધ લોકો જાણ્યે-અજાણ્યે કોઈને કોઈ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બની રહ્યાની વચ્ચે હવે સાયબર ગઠિયાએ મોરબીના એક પોલીસ કર્મચારીને પણ ઉઠા ભણાવી ધોળા દિવસે તારા દેખાડી દીધા હોવાની ઘટના સામે આવતા સમગ્ર પોલીસ બેડા માટે આ કેસ પ્રતિષ્ઠા બચાવવા માટે પડકારરૂપ બન્યો છે. જેમાં બેંકના કસ્ટમર કેરના કર્મચારી તરીકે ફોન કરનાર શખ્સે પોલીસ કર્મચારીને વિશ્વાસમાં લઈ હપ્તો જમા કરાવવાની પ્રક્રિયાના બહાને ફોન-પે મારફતે પ્રોસેસ કરાવીને તેના બેંક ખાતામાંથી રૂ.94,678 અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. પોલીસ કર્મચારી જ ઓનલાઈન ઠગાઈનો ભોગ બનતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.
મોરબીના ત્રાજપર રોડ ઉપર આવેલી રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા અને સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી આનંદકુમાર ખીમજીભાઈ દેગામા (ઉં.વ.33)એ પોતાના જ પોલીસ મથક એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, જુદા-જુદા બે મોબાઈલ નંબર તથા કેનેરા બેંકના ખાતા નંબરના ધારક અને તપાસમાં જેના નામ ખુલશે તેવા શખ્સે તેમને ઓનલાઈન ફ્રોડનો શિકાર બનાવ્યા હતા. જેમાં અજાણ્યા શખ્સે પોતાના મોબાઈલ ફોન પરથી આનંદકુમાર દેગામાનો સંપર્ક કરી પોતાની ઓળખ એક્સિસ બેંકના કસ્ટમર કેરના કર્મચારી તરીકે આપી વાતચીત દરમિયાન ફરિયાદીને વિશ્વાસમાં લઈ હપ્તો જમા કરાવવાનો હોવાનું જણાવી ફોન-પેમાં પ્રોસેસ કરાવી હતી.
આ પ્રક્રિયા બાદ ફરિયાદીના એક્સિસ બેંકના ખાતામાંથી રૂ.94,678 અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા. આ રકમ કેનેરા બેંકના ખાતા નંબરમાં જમા થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ રીતે અજાણ્યા શખ્સે બેંકના કસ્ટમર કેરના કર્મચારી તરીકે ઓળખ આપી ઓનલાઈન નાણાકીય છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતાં પોલીસ કર્મચારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી મોબાઈલ નંબર અને બેંક ખાતાની વિગતોના આધારે તપાસ હાથ ધરી છે.