Saturday - Sep 19, 2026

મોરબીની વીસી હાઈસ્કૂલમાં દેવભાષા સંસ્કૃતનું સરળતાથી રીતે જ્ઞાન આપવા સંસ્કૃત કક્ષ શરૂ

મોરબીની વીસી હાઈસ્કૂલમાં દેવભાષા સંસ્કૃતનું સરળતાથી રીતે જ્ઞાન આપવા સંસ્કૃત કક્ષ શરૂ

દેવભાષા સંસ્કૃતને સમજવા અને બોલવામાં સરળ પડે એ ઢબથી શિક્ષકો ધો.12 સુધીના તમામ વિદ્યાર્થીઓને જ્ઞાન આપશે

મોરબી : આજે હાઈટેક થવાના નામે પારકી માતા ગણાતી અંગ્રેજીના વધતા વળગણ સામે સગી જનેતા સમાન માતૃભાષા ગુજરાતી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા રીતસર ઝઝૂમી રહી છે, ત્યારે તેની તુલનામાં સમજવામાં અને બોલવામાં જટિલ ગણાતી દેવભાષા સંસ્કૃત તો જાણે ઓક્સિજન પર આવી ગઈ હોય તેવી સ્થિતિ વચ્ચે તેને જીવંત રાખવા અને નવી પેઢીને સંસ્કૃત સાથે જોડવાના પ્રયાસોના ભાગરૂપે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના આર્થિક અનુદાનથી મોરબીની ધી વી સી ટેકનિકલ હાઇસ્કુલ ખાતે સંસ્કૃત કક્ષ તૈયાર કરવામાં આવ્યો છે, જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સંસ્કૃત કક્ષ યોજના’ હેઠળ તૈયાર કરાયેલા આ કક્ષના લોકાર્પણ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ મોતા, શાળાના આચાર્ય ભદ્રસિંહ વાઘેલા, એસ.એમ.ડી.સી.ના સભ્યો, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોએ ઉપસ્થિત રહીને ભલે સંસ્કૃત ભાષા સમજવામાં અને બોલવામાં સરળ ન લાગે તો પણ તેનું જ્ઞાન લેવું આવશ્યક હોવા પર ભાર મુક્યો હતો.  દેવભાષા સંસ્કૃતના પ્રસાર અને વિદ્યાર્થીઓને ભાષા તથા તેની સાથે જોડાયેલા સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરવાના હેતુથી તૈયાર કરાયેલા આ કક્ષમાં સંસ્કૃત ભાષાના અભ્યાસ માટેનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.  જો કે આ સંસ્કૃત કક્ષને આકર્ષક અને સુસજ્જ રીતે તૈયાર કરવાની કામગીરી સંસ્કૃત શિક્ષક ધવલભાઈ ખાંડેકા અને જયશ્રીબેન ચિકાણીએ કરી હતી.

મોરબીની વીસી હાઈસ્કૂલમાં દેવભાષા સંસ્કૃતનું સરળતાથી રીતે જ્ઞાન આપવા સંસ્કૃત કક્ષ શરૂ

શાળાના સંસ્કૃત શિક્ષક ધવલભાઈ ખાંડેકાએ સંસ્કૃત ભાષાનું કેમ જ્ઞાન લેવું ફરજિયાત છે તેની વ્યસ્થિત માહિતી પ્રદાન કરી હતી. તેમણે કહ્યું આપણા ઇમાન અને ધર્મના તાજ ગણાતા ધર્મગ્રંથો મહાભારત, ભગવત ગીતા, રામાયણ, મહાભારત વગેરે સંસ્કૃતમાં આલેખાયા હોવાથી આ ધર્મગ્રંથોથી દરેક વ્યક્તિ જીવન કેવી રીતે જીવવું તેનું સાચું મહત્વ શીખવે છે. જીવન હમેશા કર્મને આધીન છે. એટલે જીવનનું પરમ સત્ય પામવા અને દિવ્ય આધ્યાત્મિકની અનુભૂતિ કરવા માટે દરેકે સંસ્કૃતનું જ્ઞાન લેવું ફરજીયાત હોવાની હાકલ કરી હતી અને આગામી સમયમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સંસ્કૃત કક્ષનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. સાથે જ સંસ્કૃત ભાષાના વિકાસ અને તેના અભ્યાસને પ્રોત્સાહન આપવા શાળા દ્વારા વિવિધ શૈક્ષણિક પ્રકલ્પો અને પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.