Saturday - Sep 19, 2026

જેતપરમાં પીએમ-ગૃહમંત્રીના પૂતળા દહનના આરોપસર 21 સામે ગુનો, ખેડૂતોમાં રોષ

જેતપરમાં પીએમ-ગૃહમંત્રીના પૂતળા દહનના આરોપસર 21 સામે ગુનો, ખેડૂતોમાં રોષ

લાંબા સમયથી ચાલતા આંદોલન વચ્ચે પોલીસ કાર્યવાહીથી તણાવ વધવાના સંકેત

મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે વીજપોલ નાખવા સામે યોગ્ય વળતર મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે 17 સપ્ટેમ્બરની રાત્રે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના પૂતળા દહનના બનાવ મામલે પોલીસે 21 વ્યક્તિઓ સામે ગુનો નોંધતાં મામલો વધુ ગરમાયો છે. પોલીસના જણાવ્યા મુજબ, વાયરલ થયેલા વિડીયોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ લાંબા સમયથી ખેડૂતો પોતાના પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન ચલાવી રહ્યા હોવા છતાં સરકાર, નેતાઓ અને તંત્ર દ્વારા પ્રશ્નો ઉકેલવાને બદલે પ્રધાનમંત્રીનો જન્મદિવસ રાષ્ટ્રીય તહેવારની માફક ઉજવવામાં આવી રહ્યો હોવાથી પૂતળા દહનરૂપી આક્રોશ બહાર આવ્યો હતો. આવા માહોલમાં પૂતળા દહનના બનાવ બાદ ગુનો નોંધાતાં ખેડૂતોનો રોષ વધુ ભભૂકી ઊઠ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, 17 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:56 વાગ્યે પેટ્રોલિંગ દરમિયાન મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ સવજીભાઈ ઘેટીયાને વોટ્સએપ મારફતે એક વિડીયો મળ્યો હતો. વિડીયોમાં કેટલાક લોકો પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના પૂતળા દહન સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરતા હોવાનું વીડિયોમાં ધ્યાને આવતા આ વીડિયોની સમગ્ર તપાસ દરમિયાન આ ઘટના જેતપર ગામના મુખ્ય ચોકમાં બની હોવાનું સામે આવ્યું હતું.

જેતપરમાં પીએમ-ગૃહમંત્રીના પૂતળા દહનના આરોપસર 21 સામે ગુનો, ખેડૂતોમાં રોષ

ફરિયાદમાં જણાવ્યા મુજબ, કોઈ વહીવટી મંજૂરી વિના ડોમ ઊભો કરી જાહેર માર્ગ પર અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો અને પૂતળાઓને લાકડાના ધોકાથી માર મારી જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવવામાં આવી હતી. આ બનાવના આધારે પોલીસે જેતપર અને કુંભારીયા ગામના કુલ 21 લોકો નેહુલ ધીરજલાલ અમૃતિયા, હર્ષદ ચતુરભાઈ અઘારા, રાજુભાઈ ભુદર કંડીયા (પાવભાજી), દીપક નાથાભાઈ ઝાકાસણીયા, લાલજી ઘનશ્યામ ઝાકાસણીયા, લલીત ઉર્ફે ભોટીયો ચીકુભાઈ અઘારા, કોકાભાઈ બચુભાઈ કંડીયા, અમીત બચુભાઈ કંડીયા, નરેશ બચુભાઈ અઘારા, નંદલાલ પ્રભુભાઈ અમૃતિયા, ગોવિંદ ધરમશીભાઈ અમૃતિયા, ચતુર છગન અઘારા, લાભુભાઈ અમરશીભાઈ વરસડા, હિરેન ચંદુભાઈ અઘારા, વિપુલ મગનભાઈ કંડીયા, ખુશાંગીબેન રાજેશભાઈ અઘારા, દર્શનાબેન ઉર્ફે ગુડીબેન હર્ષદભાઈ અઘારા, મિતલબેન વિપુલભાઈ કંડીયા, જ્યોતિબેન નિકેતભાઈ પંચાસર (તમામ રહે. જેતપર, તા. મોરબી), નીરૂભા પ્રમોદસિંહ જાડેજા અને હીરજીભાઈ દેવજીભાઈ દેત્રોજા (બંને રહે. કુંભારીયા, તા. માળીયા મિયાણા) સામે ગુનો નોંધી બી.એન.એસ.ની કલમતથા જી.પી. એક્ટની કલમ 135 તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

ગુનો નોંધાતા ખેડૂતોમાં રોષ, તણાવ વધવાના સંકેત

જેતપરનું ખેડૂત આંદોલન લાંબા સમયથી વીજલાઈન-વીજપોલ અને વળતર સહિતના પ્રશ્નોને લઈને ચાલી રહ્યું છે અને અગાઉ પણ સરકાર સાથેની ચર્ચા, વળતર અંગેના પરિપત્ર તથા ખેડૂતોની વિવિધ માંગણીઓ મુદ્દે ખેંચતાણ જોવા મળી છે. લાંબા સમયથી આંદોલન ચાલતું હોય સરકાર અને નેતાઓ તેમજ તંત્ર પણ ખેડૂતોના પ્રશ્નો ઉકેળવાના બદલે પીએમના  જન્મદિવસને રાષ્ટ્રીય તહેવારની જેમ ઉજવતા પૂતળા દહન ઉપર ગુસ્સો બહાર આવ્યો હતો. તેમાંય હવે બળતા ઘી હોમવાની જેમ ખેડૂતો સામે ગુનો નોંધાતા જેતપરમાં ખેડૂત આંદોલન વધુ ગરમાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે.