મોરબી : મોરબીએ ઔદ્યોગિક રીતે હરણફાળ ભરી હોવાથી ગ્લોબલ વોર્મિગ સામે ટકી રહેવા પર્યાવરણ પરત્વે કાળજી, જાળવણી અને જાગૃતી લાવવની દરેકની નૈતિક ફરજ છે. પર્યાવરણ જાળવણીનાં લક્ષ્ય સાથે કામ કરતી મોરબીની જ સંસ્થા મયુર નેચર ક્લબનાં સભ્ય જીતુભાઇ ઠક્કર અને વૈદ્ય કે.જે.ઝાલા (વિરંચી આયુ કેર) પીપળીએ સંયુક્ત રીતે મોરબી અને એની આસપાસનાં વૃક્ષોનો સૌ કોઈને પરિચય થાય એ આશયથી વિવિધ વિસ્તારની મુલાકાત લઈને લોકોને પર્યાવરણલક્ષી માહિતી આપવાની કોશિશ કરતા રહે છે.
આવા જ એક પ્રયાસ રૂપે મોરબીના સામાકાંઠે આવેલ કેસરબાગની મુલાકાત લઈને ત્યાંના વૃક્ષોનો વિસ્તૃત પરિચય આપતાં તેઓ જણાવે છે કે અહીં અંદાજે 40 પ્રકારનાં વૃક્ષો આવેલા છે જેમાંથી અમુક અલભ્ય અથવા ભાગ્યે જ જોવા મળતા વૃક્ષો પણ છે. અહી ઉછરેલા વૃક્ષોની વિગતો જોઈએ તો ગરમાળો, શિલીન્ડરા, જાંબુ, હેમેલીયા, લૂણી, મત્સ્યાક્ષી, લીમડો, કરેણ, પીન્કેશિયા, બોટલબ્રશ, સમેરવો, આંકડો, ખપાટ, ઝરૂલ, બોરડી, સોનમહોર, ઉમરો, દુધેલી, લીલી, ચિરંટો, દારીઆ વેલ, પરદા વેલ, ભોંય આંબલી, આંબો, વેડેલિયા, ગોરસ આંબલી, સોપારી, મગામઠી, કડવી મહેંદી, છૂછ, નગોડ, સુદર્શન, જલપીપર, બોરસલી, સરૂ ,સહદેવી, વાંસ વગેરે. મોરબી મહાનગરપાલિકા બન્યા પછી આ કેસરબાગ બગીચાની સુંદર માવજત થઈ રહી છે.અહીં સુંદર મજાની લાઈબ્રેરી હોવા ઉપરાંત નિયમિત રીતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતા રહે છે ત્યારે આ બન્ને પર્યાવરણ પ્રેમી મિત્રોનો મહાનગરપાલિકાનાં અધિકારી, શાસકોને અનુરોધ કર્યો છે કે આ વૃક્ષોની માહિતી બાગમાં યોગ્ય રીતે મોટી સાઈઝમાં ડિસ્પ્લે કરવામાં આવે જેથી લોકો અને વિશેષ કરીને બાળકો પર્યાવરણ તરફ સંવેદનશીલ,જાગૃત બને અને એ રીતે પર્યાવરણ જાગૃતિ વધે...( વધુ માહિતી માટે સંપર્ક જીતુભાઈ ઠક્કર : મો.9228583743)