બીજથી વાવેતર સુધીની તાલીમ : ઘરે જ દેશી શાકભાજી ઉગાડી સ્વચ્છ અને તાજો ખોરાક મેળવવાનો સંદેશ
મોરબી : પર્યાવરણનું જતન માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત ન રહે, પરંતુ રોજિંદા જીવનમાં પણ તેનો અમલ થાય તે દિશામાં મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા પ્રાથમિક શાળામાં બાળાઓ માટે આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ અને કિચન ગાર્ડન અંગે પ્રાયોગિક વર્કશોપ યોજાયો હતો. તાલીમ દરમિયાન બાળાઓને માત્ર માહિતી આપવામાં આવી ન હતી, પરંતુ ઘરે કિચન ગાર્ડન કેવી રીતે તૈયાર કરી શકાય તેનું બીજથી વાવેતર સુધી પ્રત્યક્ષ નિર્દેશન આપવામાં આવ્યું હતું.
વર્કશોપમાં કિચન ગાર્ડન માટે યોગ્ય સ્થળની પસંદગી, જરૂરી સાધનો, માટીની તૈયારી, બીજની પસંદગી, પાણી, ખાતર, વાવેતરની પદ્ધતિ તેમજ છોડમાં થતા રોગોના નિયંત્રણ અંગે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. બાળાઓને પોતાના ઘરે પણ શાકભાજી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
‘ઘરે શાકભાજી ઉગાડો અને કુદરત સાથે જોડાઓ’ એ સંદેશ સાથે દરેક બાળાને દેશી પાલકના બીજનું પેકેટ નિઃશુલ્ક આપવામાં આવ્યું હતું. પોતાના હાથે બીજ વાવીને છોડ ઉછેરવાની પ્રક્રિયા બાળાઓમાં કુદરત પ્રત્યે કૂતુહલ અને જવાબદારીની ભાવના વિકસાવે તે પણ આયોજનનો મુખ્ય હેતુ રહ્યો હતો.
તાલીમ દરમિયાન શાકભાજીના પાકમાં રાસાયણિક જંતુનાશકોના વધતા ઉપયોગ અંગે પણ જાગૃતિ લાવવામાં આવી હતી. ઘરઆંગણે દેશી અને ઓર્ગેનિક પદ્ધતિથી શાકભાજી ઉગાડવાથી રાસાયણિક દવાઓ પરની નિર્ભરતા ઘટાડી શકાય અને સ્વચ્છ ખોરાક તરફ આગળ વધી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમ પર્યાવરણપ્રેમી પ્રાણજીવન કાલરિયા દ્વારા આપવામાં આવી હતી. તેમણે બાળાઓને બીજની કીટ તેમજ પોતાના દ્વારા લખાયેલ વનસ્પતિ અને ગોપાલન વિષયક પુસ્તકો શાળાને ભેટ આપ્યાં હતાં. આ ઉપરાંત મધૂરમ ફાઉન્ડેશન, મોરબીના પ્રમુખ ડૉ. મધુસૂદન પાઠક તથા પ્રકૃતિ ઉપચાર કેન્દ્રના નેચરોપેથ શૈલેષભાઈ કાલરિયાએ પણ આરોગ્ય અને પ્રકૃતિ સંરક્ષણ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલા અને શિક્ષક સ્ટાફ દ્વારા તાલીમ માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. શિક્ષક દયાલજીભાઈ બાવરવાએ આભારવિધિ કરી હતી.
બાળાઓના હાથમાં અપાયેલા બીજ માત્ર કિચન ગાર્ડનની શરૂઆત નથી, પરંતુ ઘર-ઘરમાં પ્રકૃતિ સાથેનું જોડાણ મજબૂત કરવાનો પ્રયાસ છે. બાળાઓ પોતાના ઘરે બીજ વાવે, છોડ ઉછેરે અને તેના માધ્યમથી પરિવારને પણ પર્યાવરણ અને સ્વચ્છ ખોરાક અંગે જાગૃત કરે—એ રીતે આ તાલીમનો સંદેશ શાળાની બહાર ઘર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.