Tuesday - Sep 08, 2026

માળીયાના મોટા દહિંસરાના મકાનમાં ડુપ્લીકેટ શરાબ બનાવવાની ફેકટરીનો પર્દાફાશ, 5 ઝડપાયા

માળીયાના મોટા દહિંસરાના મકાનમાં ડુપ્લીકેટ શરાબ બનાવવાની ફેકટરીનો પર્દાફાશ, 5 ઝડપાયા

કેમિકલ મિશ્રણ કરી ડુપ્લીકેટ વિદેશી શરાબ બનાવીને વેચાય તે પહેલાં પોલીસે ઝડપી લેતા લઠ્ઠાકાંડ બનતો અટક્યો

મોરબી : મોરબી એલસીબીની સતર્કતાભરી કાર્યવાહીથી બીજો લઠ્ઠાકાંડ બનતા સહેજમાં અટક્યો હોય એવી ગંભીર સ્થિતિ સામે આવી છે. જેમાં માળીયા મી.ના મોટા દહીંસરા ગામે મકાનમાં એક આખે આખી નકલી દારૂ બનાવવાની ફેકટરી ધમધમતી હતી.જેમાં કેટલાક શખ્સો કેમિકલનું મિશ્રણ કરી ડુપ્લીકેટ દારૂ બનાવીને આ મોટાપાયે ડુપ્લિકેટ દારૂનો જથ્થો વેચવાની તૈયારીમાં જ હતો. તે જ વખતે પોલીસ ત્રાટકી હતી અને વિદેશી દારૂના નામે નકલી દારૂ પધરાવના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. હાલ પોલીસે આ નકલી દારૂ બનાવવાની ફેકટરીમાં એકબીજાની મદદગારી કરનાર 5 શખ્સોને કુલ રૂ. 20,75,444ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર થઈ ગયો છે.

ભાવનગરના લઠ્ઠાકાંડને પગલે હરકતમાં આવેલી પોલીસે દારૂબંધીનો કડક અમલ કરવા કમર કસી છે. દરમિયાન માળીયાના મોટા દહીંસરા ગામે આવેલા દરબારગઢ વિસ્તારમાં રહેતા બુટલેગર અજયસિંહ બાવુભા જાડેજાના મકાનમાં ડુપ્લીકેટ શરાબ બનાવવાની મીની ફેકટરી ધમધમતી હોવાની મોરબી એલસીબી પીઆઈ એસ.પી. જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ બી.ડી. ભટ્ટ, વી.જી. માલાણી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે મોટા દહિંસરા ગામે રેડ કરી હતી. પોલીસની રેડ દરમિયાન અજયસિંહ બાવુભા જાડેજાના મકાનમાં મહેશ ઉર્ફે મુન્નો ધરમશીભાઇ કાંજીયા સહિતના શખ્સો ભેગા મળી કેમિકલનું મિશ્રણ કરી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી, તેના પર બ્રાન્ડેડ કંપનીના ક્યુઆર કોડ, બારકોડ અને સ્ટીકરો લગાવી પેકિંગ કરીને આ નકલી દારૂનો જથ્થો વેચવાની તૈયારી કરતા હોવાનું ખુલ્યું હતું.આથી પોલીસે આ નકલી દારૂ કાંડને ખુલ્લા પાડી આરોપી મહેશ ઉર્ફે મુન્નો ધરમશીભાઇ કાંજીયા, કર્મરાજસિંહ મંગળસિંહ ઝાલા, રામદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, વિક્કી ઉર્ફે કાનો રમેશભાઇ સીંધવ, વિક્રમભાઇ કેશુભાઇ ધંધુકીયાને 276 નંગ દારૂ (કિંમત રૂ. 3,05,360),ડુપ્લીકેટ વિદેશી દારૂનું લુઝ પ્રવાહી આશરે 175 લિટર (કિંમત રૂ. 2,59,000), દારૂ બનાવવાનું કેમિકલ (ઇથેનોલ) 400 લિટર (કિંમત રૂ. 2,00,000), માલ્ટ નામનું કેમિકલ આશરે 15 લિટર (કિંમત રૂ. 3,000),2 કિલો ફૂડ કલર, રૂ.6,50,000 રોકડ રકમ, એક કાર, 1224 નગ કાચની ખાલી બોટલો,1224 નંગ બ્લેન્ડર્સ પ્રાઇડ કંપનીના ઢાંકણા,1224 નંગ બારકોડ, ક્યુઆર કોડ અને સ્ટીકરો, આલ્કોહોલ માપવાનું આલ્કોમીટર, ઇલેક્ટ્રિક મોટર પાઇપ સાથે, પ્લાસ્ટિકના કેરબા તથા બેરલ, 7 મોબાઇલ ફોન મળી કુલ રૂ.20,75,444 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે નકલી દારૂ કાંડનો મુખ્ય આરોપી અને બુટલેગર અજયસિંહ બાવુભા જાડેજા ફરાર થઇ ગયો હતો.

કચ્છની જેલમાં નકલી દારૂ બનવાનું કાવતરું ઘડાયું

એસપી મુકેશકુમાર પટેલે જણાવ્યું કે, આરોપીઓએ ખાલી બોટલો 2-3 દિવસ પહેલાં જ મંગાવી હતી અને ફેક્ટરીમાં પેકિંગની કામગીરી ચાલુ જ હતી તે દરમિયાન પોલીસે રેડ કરી હતી. જેથી આ નકલી દારૂ હજુ બજારમાં વેચાણ અર્થે પહોંચ્યો નથી. આ ગુનાનું કાવતરું મુખ્ય આરોપી અજયસિંહ જાડેજા જ્યારે કચ્છની પાલારા જેલમાં હતો ત્યારે રાજસ્થાનના એક આરોપી સાથે મળીને ઘડ્યું હતું. જો કે એસપીએ એ આરોપીના નામની સ્પષ્ટતા કરી ન હતી. પ્રાથમિક અનુમાન મુજબ કેમિકલ અને સાધન-સામગ્રી રાજસ્થાનથી સપ્લાય થતી હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી અજયસિંહ જાડેજા અગાઉ પણ દારૂના ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત  બુટલેગર છે. રેડ દરમિયાન તે ફરાર થઈ ગયો હોવાથી તે ઝડપાયા બાદ આ નકલી ફેકટરીના વધુ ચોંકાવનારા રાઝ ખુલે તેવી શકયતા છે.

નકલી દારૂ માટે કયું કેમિકલ વાપરતા "તા

રેડ દરમિયાન 200-200 લિટરના 2 બેરલમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનું ઇથેનોલ મળી આવ્યું હતું. આ ઉપરાંત અન્ય એક 200 લિટરના બેરલમાં ઇથેનોલમાં પાણી, કલર અને એસેન્સ મિશ્રિત પ્રવાહી મળી આવ્યું હતું. આરોપીઓએ ખાલી બોટલો 2-3 દિવસ પહેલાં જ મંગાવી હતી અને ફેક્ટરીમાં પેકિંગની કામગીરી ચાલુ જ હતી. ડુપ્લીકેટ વિદેશી દારૂનું લુઝ પ્રવાહી આશરે 175 લિટર, દારૂ બનાવવાનું કેમિકલ (ઇથેનોલ) 400 લિટર, માલ્ટ નામનું કેમિકલ આશરે 15 લિટર ,ફૂડ કલરનો ઉપયોગ કરી નકલીને અસલી વિદેશી શરાબ બનવાના ખેલ ચાલતા હતા.

2 મહિનાથી ફેકટરી ચાલુ હોવાનો એસપીનો દાવો

એસપીએ મોટા દહીસરા ગામે જે નકલી દારૂ કાંડની ફેકટરી ઝડપાઇ તે ફેકટરી બે મહિનાથી જ ચાલુ હોવાનો દાવો કર્યો હતો. પણ જાણકારોના મતે હકીકત જુદી જ હોઈ શકે છે અને દારૂ વેચ્યો જ નથી એવું પણ તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું છે. પરંતુ આ નકલી દારૂ કાંડની તટસ્થ તપાસ થાય તો ચોકવાનારી હકીકતો સામે આવે એમ છે. અધિકારીના દાવા હાલ ગળે ઉતરે એવા ન હોય ત્યારે તપાસ બાદ જ આ દારૂ કાંડ કેટલા સમયથી ચાલતો હતો અને કોની રહેમનજર હેઠળ આ નકલી દારૂ ફેકટરી ચાલુ હતી તે પણ બહાર આવશે