Monday - Aug 03, 2026

ઉપરવાસમાં આવક બંધ થતાં મચ્છુ-2 ડેમના દરવાજા બંધ કરી 2 દરવાજા 6 ફૂટ ખુલ્લા રખાયા

ઉપરવાસમાં આવક બંધ થતાં મચ્છુ-2 ડેમના દરવાજા બંધ કરી 2 દરવાજા 6 ફૂટ ખુલ્લા રખાયા

આજે મેઘાડબર વચ્ચે બપોરે 12 વાગ્યાથી ફરી વરસાદ ધીમીધારે શરૂ થતા જો પાણીની આવક વધશે તો, ફરી પાટિયા પાણીની જાવકની જરૂરિયાત મુજબ ખોલવામાં આવશે


મોરબી : મોરબીની જીવાદોરી સમાન જોધપર પાસે આવેલ મચ્છુ-2 ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતાં ડેમના દરવાજા બંધ કરીને ઘટાડવામાં આવ્યા છે. આજે તા. 2ના રોજ હવે ડેમના માત્ર 2 દરવાજા 6 ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે. જો કે ગઈકાલે મોડી સાંજથી જ વરસાદ બંધ હતો. પરંતુ  આજે મેઘાડબર વચ્ચે બપોરે 12 વાગ્યાથી ફરી વરસાદ ધીમીધારે શરૂ થયો છે. તેથી વરસાદ ચાલુ જ રહે અને ડેમમાં વધુ આવક આવશે તો ફરી પાટિયા પાણીની જાવકની જરૂરિયાત મુજબ ખોલવામાં આવશે. તેમ ડેમના સૂત્રો પાસેથી જણવા મળ્યું છે.

હાલ મચ્છુ-2 ડેમ તેની કુલ સંગ્રહશક્તિના 100% ભરાયેલો છે. એટલે આ ડેમ ઓવરફ્લો હોય અને ઉપરવાસમાંથી ડેમમાં 8318 ક્યુસેક પાણીનો ઈનફ્લો (આવક) થઈ રહ્યો છે, જેની સામે નદીના પટમાં 7738 ક્યુસેક પાણીનો આઉટફ્લો (જાવક) ચાલુ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત સૌની યોજના હેઠળ પણ 580 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદ બંધ થઈ જતાં પાણીની આવક ઘટી છે, છતાં પણ વહીવટી તંત્ર દ્વારા ડેમની જળસપાટી અને પાણીની આવક-જાવક પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે