જેતપર ગામે ગ્રામજનોએ દારૂ લઈ જતા બે શખ્સોને રંગેહાથે ઝડપી લીધા, સોલંકીનગર ગામે દારૂ વેચવા નીકળેલા શખ્સને ગ્રામજનોએ પાઠ ભણાવ્યો
મોરબી : મોરબીમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોય તેમ દેશી દારૂના હાટડાઓ ઠેક-ઠેકાણે ધમધમી રહ્યા છે. ત્યારે ગ્રામજનો સક્રિયતાથી કહેવાતી દારૂબંધીના ધજાગરા થયા હોવાનું સામે આવ્યું છે. મોરબી તાલુકા પોલીસની નિષ્કયતાને કારણે દારૂની બદી ફૂલીફાલી હોવાથી મોરબીના જેતપર ગામ અને સોલંકીનગર ગામે દારૂના દુષણ નાથવા ગ્રામજનો મેદાને આવ્યા છે. જેમાં જેતપર ગામે ગ્રામજનોએ દારૂ લઈ જતા બે શખ્સોને ઝડપી તેમજ સોલંકીનગર ગામે દારૂ વેચવા નીકળેલા શખ્સને ગ્રામજનોએ પાઠ ભણાવ્યો હતો.
જેતપર ગામે દારૂનું દુષણ દૂર કરવા ગ્રામસભા યોજાઈ હતી. જેમાં દારૂના દુષણનો મુદ્દો ઉઠ્યો હતો. જેને પગલે સરપંચ દ્વારા તાલુકા પીઆઈને કડક કાર્યવાહી કરવા લેખિત રજુઆત પણ કરી હતી. તેવામાં આજે ગામમાં બે શખ્સો બાઇક પર દેશી દારૂની હેરફેર કરી રહ્યા હોય, ગ્રામજનોએ ભેગા થઈ બન્નેને પકડી લીધા હતા. આ સમગ્ર ગેરકાનૂની પ્રવૃત્તિ તેઓએ મોબાઈલમાં રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી છે. ગ્રામજનોએ પોલીસ દારૂ વેચનાર તથા સેવન કરનાર સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
મોરબી તાલુકાના સોલંકીનગરમાં ગામમાં આજે જન્માષ્ટમીના પર્વ પર એક શખ્સ દેશી દારૂ વહેંચવા નીકળયો હતો. ગ્રામજનોએ આ શખ્સને ખુલ્લો પાડી તેનો વિડીયો ઉતારી પાઠ ભણાવ્યો હતો. જો કે સામે ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે તેમ શખ્સે પણ વિડિઓ બનાવી ધાક ધમકી આપી હતી. બીજી તરફ મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દારૂના કારણે દર વર્ષે ગામમાં 10થી 15 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. ગામના બાળકો પણ દારૂની લતે ચડી રહ્યા છે. પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. બહેનો દીકરીઓ આ દારૂના દુષણને કારણે ઘરની બહાર નીકળી શકતી નથી. હવે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો મહિલાઓ ભેગી થઈ ચક્કાજામ કરશે.
ફોટા : રવિ બરાસરા